ગાઢ ધુમ્મસમાં લેન્ડિંગ આવડતું નથી : સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયાને નોટિસ
- ડીજીસીએએ 15 દિવસમાં જવાબ માંગ્યો
- કેટલાય પાયલોટને ગાઢ ધુમ્મસ અને આકરા તાપમાં પ્લેનને ટેક-ઓફ-લેન્ડ કરાવવાની તાલીમ જ નથી અપાઈ
નવી દિલ્હી : દિલ્હીના અત્યંત વ્યસ્ત ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર સ્પાઇસજેટ અને એર ઇન્ડિયાના પાયલોટ પ્લેનને ગાઢ ધુમ્મસમાલેન્ડિંગ કરાવી ન શકતા ડીજીસીએએ બંને એરલાઇન્સને નોટિસ પાઠવી છે અને પંદર દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. પાયલોટની આ અણઆવડતના લીધે એરપોર્ટ ઓથોરિટીએ કમસેકમ ૫૦થી વધુ વિમાનોનો રુટ બદલવાની ફરજ પડી છે.
ડીજીસીએએ એરલાઇન્સ પાસે જવાબ માંગ્યો છે કે આ પ્રકારની લો વિઝિબિલિટી હોય ત્યારે તેઓએ તેમના સ્પેશ્યાલિસ્ટ પાયલોટને કેમ ન મોકલ્યા.
ડીજીસીએના વરિષ્ઠ અધિકારીએ તે વાતને સમર્થન આપ્યું છે કે જ્યારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં વિમાનોના રુટ બદલવાની સૂચના મળી હતી. તેની તપાસ કરતા ખબર પડી હતી કે આ બંને એરલાઇન્સે તેમના કેટલાય પાયલોટ્સને બપોરના આકરા તાપ અને ગાઢ ધુમ્સમાં પ્લેનને લેન્ડ કરાવવાની કે ટેક-ઓફ કરાવવાની તાલીમ જ આપી નથી. ડીજીસીએના અધિકારીએ જણાવ્યું હતું કે ૨૪થી ૨૫ અને ૨૭-૨૮ ડિસેમ્બર દિલ્હીના એરપોર્ટ પર વિઝિબિલિટી અત્યંત ઓછી હતી. તેના લીધે દિલ્હી એરપોર્ટે ૫૦થી વધુ ફ્લાઇટ્સના રુટ બદલ્યા.
ઉલ્લેખનીય છે કે ૨૬ ડિસેમ્બરના રોજ વિઝિબિલિટી ૫૦ મીટર સુધી ઘટી જતાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ફ્લાઇટ્સના સંચાલન પર વિપરીત અસર પડી હતી. એરપોર્ટના સૂત્રો મુજબ વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં ૫૦ મીટરની વિઝિબિલિટીને ઝીરો વિઝિબિલિટી માનવામાં આવે છે. સવારે સાડા આઠ વાગે વિઝિબિલિટીની સ્થિતિ સુધરી.