લાલુ પ્રસાદના પરિવારને મોટી રાહત, જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં કોર્ટે આપ્યાં જામીન
Image Source: Twitter
Land For Job Scam: લેન્ડ ફોર જોબ સ્કેમ મામલે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે આ મામલે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવને જામીન આપી દીધા છે. કોર્ટે તમામ આરોપીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.
1 લાખ રૂપિયાના બોન્ડ પર મળ્યા જામીન
આરોપીઓને જામીન આપતાં કોર્ટે કહ્યું કે તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી કોર્ટે તમામને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપી છે. સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે રાબડી દેવી, હેમા યાદવ અને મીસા યાદવને જામીન આપવા માટે અગાઉના આદેશની જેમ જ ડાયરેક્શન આપી શકાય છે. ત્યારબાદ કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 25મી ઓક્ટોબરે થશે.
લાલુ, તેજસ્વી, તેજપ્રતાપ સહિત તમામ 9 આરોપીઓને એક-એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર રાઉઝ એવેન્યુ કોર્ટે જામીન આપ્યા છે. આરોપોઆરોપો ઘડવા પર ઊલટતપાસ પહેલાં ચાર્જશીટ અને તેના સંબંધિત દસ્તાવેજોની તપાસ એટલે કે સ્ક્રૂટની કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.
EDએ ચાર્જશીટમાં તેજ પ્રતાપ યાદવને આરોપી નથી બનાવ્યો પરંતુ કોર્ટે તેજ પ્રતાપ યાદવને સમન્સ જારી કરતા કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવ પણ લાલુ યાદવ પરિવારના સભ્ય છે અને મની લોન્ડરિંગમાં તેમની ભૂમિકાનો ઈનકાર ન કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે મોટી સંખ્યામાં જમીન અને મિલકતોના ટુકડા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. યાદવ પરિવારે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. યાદવ પરિવારના નામે પ્લોટ ટ્રાન્સફર થયા છે.
લાલુ, તેજસ્વી, તેજ પ્રતાપની સાથે મીસા ભારતી પણ છે. પરંતુ મીસા ભારતીને ED મામલે પહેલા જ સમન્સ જારી કરવામાં આવી ચૂક્યું છે અને તેને જામીન મળી ગયા છે. આજના સમન્સ હિસાબે મીસા ભારતીને હાજર થવાની જરૂર નહોતી.
આ અમારી વિરુદ્ધ ષડયંત્ર: તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવે લેન્ડ ફોર જોબ કેસમાં રાઉઝ એવેન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કહ્યું કે, આ રાજકીય પ્રતિશોધનો મામલો છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી આ અમારી વિરુદ્ધ ષડયંત્ર છે. અમને કોર્ટ પર વિશ્વાસ છે. તેમણે અમને જામીન આપ્યા છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો 2004થી 2009 વચ્ચેના સમયગાળાનો છે, જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. આરોપ છે કે, તેમના કાર્યકાળમાં નિયમોની અવગણના કરીને કેટલાક લોકોને રેલવે ગ્રુપ ડીની પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી. નોકરી મેળવવા માટે લોકોએ લાલુ પરિવારને બજાર કિંમત કરતા પાંચ ગણા ઓછા ભાવે પોતાની જમીન વેચી દીધી હતી. આમાં કેટલીક જમીન લાલુ યાદવના પરિવારના નામે હતી તો કેટલીક જમીન તેમના નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોના નામે હતી. CBI આ કેસના ગુનાહિત પાસા પર તપાસ કરી રહી છે, જ્યારે ED મની લોન્ડરિંગના પાસા પર તપાસ કરી રહી છે. બંને જ તપાસ એજન્સીઓએ લાલુ પરિવારના સભ્યો પર સકંજો કસ્યો છે.