જમીન કૌભાંડમાં ફસાયેલા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટી રાહત, હાઇકોર્ટે આપ્યા જામીન
Jharkhand Former CM Hemant Soren Bail: જમીન કૌભાંડ કેસમાં આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી પર ઝારખંડ હાઇકોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. શુક્રવારે હાઇકોર્ટે હેમંત સોરેનને જામીન આપી દીધા છે. હાઇકોર્ટમાંથી જામીન મળતાં હેમંત સોરેનને મોટી રાહત મળી છે. આ પહેલાં 13 જૂને સુનાવણી દરમિયાન ઇડી અને બચાવપક્ષ તરફથી ચર્ચા પુરી કરવામાં આવી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો.
કથિત જમીન કૌભાંડ કેસની તપાસ કરવા ઈડીની ટીમે 30મી જાન્યુઆરીએ દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર પહોંચી હતી. ટીમ અહીં લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી. EDના સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સીએમ હેમંત સોરેન બંગલા પર હાજર નહોતા. દરોડા દરમિયાન 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર પણ મળી આવી હતી જે 'બેનામી' નામથી રજિસ્ટર્ડ છે.
આ ઉપરાંત કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે. EDએ હેમંત સોરેનના ઘરેથી મળેલા કેશની તસવીર પણ જારી કરી હતી. આ તસવીરમાં 500ની નોટોના અનેક બંડલ નજર આવી રહ્યા છે, જેને ઈડીએ જપ્ત કરી હતી.
હેમંત સોરેનની જામીન અરજી પર હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંગોન મુખોપાધ્યાયની કોર્ટમાં સુનાવણી થઇ હતી. હેમંત સોરેનની લેન્ડ સ્કેમ કેસમાં 31 જાન્યુઆરીની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ કેસમાં અફસર અલી, જેએમએમ નેતા અંતૂ તિર્કી, પ્રિયરંજન સહાય, વિપિન સિંહ અને ઇરશાદ સહિત અન્ય 22 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો ?
રાંચીમાં સેનાના કબજાવાળી જમીનના સંબંધમાં ટેક્સ કમિશનરે સરકારને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં કહેવાયું છે કે, નકલી નામ અને સરનામાના આધારે સેનાની જમીન પર ગેરકાયદે કબજો કરાયો છે. રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નવેમ્બર-2022માં ઉદ્યોગપતિ વિષ્ણુ અગ્રવાલ, અમિત અગ્રવાલના ઠેકાણાંઓ પર દરોડા પડાયા હતા, જેમાં EDને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા હતા.
કૌભાંડમાં મુખ્યમંત્રી સોરેનનું નામ કેવી રીતે જોડાયું ?
વાસ્તવમાં 8 જુલાઈ-2022ના રોજ મુખ્યમંત્રીના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઈડીને સીએમ હેમંત સોરેનના બેંક એકાઉન્ટ સંબંધીત ચેક બુક મળી હતી. ત્યારબાદ તેમનું નામ આ કેસમાં જોડવામાં આવ્યું... હવે ઈડીએ તેમને 14 ઓગસ્ટે પુછપરછ માટે બોલાવ્યા છે.