'દરવાજા હંમેશા ખુલ્લા છે...' નીતીશની ગુલાંટ બાદ લાલુ યાદવનું પહેલું નિવેદન ફરી ચર્ચામાં
નીતીશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે,'હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી'
Bihar Politics: I.N.D.I.A ગઠબંધન છોડીને એનડીએમાં જોડાયેલા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના વડા નીતીશ કુમારને લઈને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'અમે જોઈશું કે નીતીશ કુમાર ફરી I.N.D.I.A ગઠબંધનમાં જોડાય છે કે નહીં. તેમના માટે દરવાજા હંમેશા ખુલ્લા છે.'
નીતીશ કુમારની સ્પષ્ટતા
નોંધનીય છે કે, નીતીશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે એનડીએમાં જ રહેશે. જેડીયુ ફરી એનડીએમાં જોડાયા અને ભાજપ સાથે બિહારમાં સરકાર બનાવ્યા બાદ થોડા દિવસો પહેલા તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ નીતીશે કહ્યું, 'હું પહેલા પણ તેમની સાથે હતો. અમે જુદા જુદા રસ્તાઓ પર ચાલ્યા, પરંતુ હવે અમે સાથે છીએ અને હંમેશા રહીશું. હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો છું (NDA) અને હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી.'
ગુરુવારે લાલુ અને નીતીશનો ભેટો થયો હતો
ગુરુવારે બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ સામસામે આવ્યા હતા. લાલુ રાજ્યસભાની ચૂંટણીમાં આરજેડીના ઉમેદવારોના નોમિનેશનમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન નીતીશ પણ ત્યાંથી જતા રહ્યા હતા. આ મુલાકાત ખૂબ જ ટૂંકી હતી પરંતુ બંને નેતાઓ વચ્ચે કોઈ કડવાશ નહોતી. નીતીશે લાલુ યાદવને તેમની હાલત વિશે પણ પૂછ્યું.