‘ઓગસ્ટ સુધીમાં પડી જશે મોદી સરકાર, કાર્યકર્તાઓ તૈયાર રહે...’ દિગ્ગજ નેતાના દાવાથી હડકંપ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Lalu Prasad Yadav, Tejashwi Yadav, PM Modi, Nitish Kumar


RJD Foundation Day : આરજેડીના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે (Lalu Prasad Yadav) આજે પાર્ટીના સ્થાપના દિને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને બિહારના મુખ્યમંત્રી નીતીશ સરકાર પર આકરા હુમલા કર્યા હતા. આ ઉપરાંત તેજસ્વી યાદવે પણ પુલો ધરાશાયી, પેપર લીક, રેલવે અકસ્માતોનો મુદ્દે ચગાવી સરકાર પર નિશાન સાધ્યું હતું.

ઓગસ્ટ સુધીમાં પડી જશે મોદી સરકાર : લાલુનો દાવો

આ દરમિયાન લાલુ યાદવે NDA સરકારને લઈ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં મોદી સરકાર ખુબ જ નબળી છે. આ સરકાર ઓગસ્ટ સુધીમાં પડી શકે છે. હું તમામ કાર્યકર્તાઓને કહું છું કે, તેઓ ચૂંટણી માટે તૈયાર રહે, ચૂંટણી કોઈપણ સમયે યોજાઈ શકે છે.’

આ પણ વાંચો : ચૂંટણીમાં ઝટકા બાદ ભાજપનું ડેમેજ કંટ્રોલ: સરકારથી લઈ સંગઠનમાં થશે મોટા ફેરફાર

જેડીયુએ વિચારધારા સાથે સમજૂતી કરી, અમે ક્યારેય નહીં : તેજસ્વી યાદવ

આરજેડીના સ્થાપના દિવસ સમારોહમાં તેજસ્વી યાદવે (Tejashwi Yadav) ભાજપ (BJP) અને નીતીશ કુમાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘સત્તાની લાલચુ જનતાદળ યુનાઈટેડે (JDU) પોતાની વિચારધારા સાથે સમજૂતી કરી છે, જોકે આરજેડી જ એકમાત્ર એવી પાર્ટી છે, જેને પોતાની વિચારધારા સાથે પણ સમજૂતી કરી નથી અને ભાજપ સામે ઘૂંટણીએ પણ પડી નથી.’

સત્તામાં રહેવું સૌથી મોટી વાત નથી : તેજસ્વી

તેજસ્વીએ કહ્યું કે, સત્તામાં રહેવું કોઈ મોટી વાત નથી. અમે ગરીબો અને વંચિતો માટે લડી રહ્યા છીએ. લોકસભા ચૂંટણીમાં અમારો વોટ શેર 9 ટકા વધ્યો છે, જ્યારે એનડીએના વોટ શેરમાં 6 ટકાનો ઘટાડો થયો છે. આરજેડીએ ચાર બેઠકો જીતી છે. અમે વધુ બેઠકો જીતી શકતા હતા, જોકે અમારા ગઠબંધને ચૂંટણીમાં નવ  બેઠકો જીતી છે.

આ પણ વાંચો : 'હું આતંકી કે ઘોષિત અપરાધી નથી...' કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટે CBIથી માગ્યો જવાબ

20 દિવસમાં એક ડઝન પુલ ધરાશાયી

તેજસ્વીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar)ની સરકારની ટીકા કરી કહ્યું કે, ‘લોકો કહે છે કે, ડબલ એન્જીનની સરકાર છે. લગભગ 20 દિવસની અંદર એક ડઝનથી વધુ પુલો ધરાશાયી થયા, ઘણા રેલવે અકસ્માતો થયા, રાજ્યમાં ગુનાઓ વધી ગયા છે, પેપર લીક થઈ રહ્યા છે... તેમ છતાં ડબલ એન્જીનની સરકાર આ મુદ્દાઓ પર કંઈપણ બોલવા માટે તૈયાર નથી.’


Google NewsGoogle News