લાલુની નવ કલાક પૂછપરછ : સોરેન દિલ્હીમાં ગાયબ
- નીતિશકુમાર ભાજપમાં જોડાયા બાદ બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે
- રેલવેમાં નોકરીના બદલામાં જમીન મેળવી હોવાનો લાલુ-રાબડી પર આરોપ રાંચીમાં જમીન ખરીદીમાં ગરબડ કર્યાના મુદ્દે સોરેનને 10મી વખત સમન્સ
- પટણા સ્થિત ઈડી કાર્યાલયમાં લાલુને ચા-નાસ્તો-ભોજન અને દવા આપીને એક ડઝન અધિકારીઓએ 50 સવાલો પૂછ્યા
- ઈડીની ટીમ મુખ્યમંત્રી સોરેન શોધી શકી નહીં: 31મીએ મુખ્યમંત્રી નિવાસે પૂછપરછ માટે આવવાનો ઈ-મેઈલ મળ્યો
નવી દિલ્હી : નીતિશકુમાર ભાજપમાં જોડાયા તે સાથે જ રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે. તેનો પડઘો હોય કે બીજું કંઈ, બિહાર-ઝારખંડના નેતાઓ પર ઈડી સખ્ત થઈ છે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની ઈડીએ પટણા સ્થિત ઓફિસમાં નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. રેલવેમાં નોકરીના બદલામાં જમીન મેળવ્યાનું કૌભાંડ કર્યાનો લાલુ પ્રસાદના પરિવાર પર આરોપ છે. તે ઉપરાંત બિહારના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ માટેય ઈડી તેમના દિલ્હી સ્થિત નિવાસે પહોંચી હતી. હેમંત સોરેન દિલ્હી પહોંચ્યા તે સાથે જ ઈડી પણ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ હેમંત ભેદી રીતે ગાયબ થઈ જતાં ઈડીએ ઝારખંડ ભવનમાં પણ તપાસ કરી હતી. બંને સ્થળેથી ઈડીના અધિકારીઓએ પાછા ફરવું પડયું હતું.
એન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પટણા સ્થિત ઈડી ઓફિસમાં પૂછપરછ કરી હતી. ઈડીના ડઝનેક અધિકારીઓએ લાલુની નવ-નવ કલાક સુધી પૂછપરછ કરી હતી ને વચ્ચેના ગાળામાં તેમને ચા-નાસ્તા-ભોજન અને દવાની સગવડ પણ કરી આપી હતી. લાલુ તેમની દીકરી મીસા ભારતી અને કાયદા સહાયક સાથે ઈડીની ઓફિસમાં પહોંચ્યા હતા, પરંતુ ઈડીએ સહાયકની મદદ લેવાની પરવાનગી આપી ન હતી. મીસા ભારતીએ આરોપ લગાવ્યો કે તેમના પિતાની તબિયત ખરાબ હોવા છતાં કલાકો સુધી તેમને બેસાડી રખાયા. મીસા ભારતીને દવાઓ આપવા માટે લાલુ પાસે જવાની પરવાનગી મિનિટો માટે મળતી હતી. લાલુને ૫૦ સવાલોના જવાબો આપવાનું કહેવાયું હતું. ગત વર્ષે ૧૧મી એપ્રિલે પણ આ કેસમાં લાલુ પ્રસાદની આઠ કલાક સુધી પૂછપરછ થઈ હતી.
ઈડીના અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે લાલુના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રબડી દેવીની ગૌશાળામાં કામ કરતા એક વ્યક્તિને રેલવેમાં નોકરી આપવાના બદલામાં એની જમીન લઈ લેવામાં આવી હતી. રેલવેની નોકરી અને જમીનના કેસમાં લાલુ પ્રસાદના પરિવારના ઘણાં સભ્યો પર આરોપો છે. તેજસ્વીને પણ સમન્સ પાઠવાયું છે. લાલુની પૂછપરછના વિરોધમાં રાજદના કાર્યકરોએ ઠેર-ઠેર દેખાવો કર્યા હતા. પટણા ઈડી ઓફિસના સામે લાલુના સમર્થકોએ સૂત્રોચ્ચારો કર્યા હતા.
દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર પણ ઈડીએ સકંજો કસ્યો છે. હેમંત સોરેન દિલ્હી સ્થિત ઘરે ગયા છે એવી જાણકારી વહેતી થઈ પછી ઈડીએ તેમના દિલ્હીના ઘરે ધામા નાખ્યા હતા. ઈડીના અધિકારીઓએ હેમંત સોરેનની દિલ્હીના નિવાસસ્થાને રાહ જોઈ પણ મુખ્યમંત્રી ગાયબ થઈ ગયા. ઈડીએ ઝારખંડ ભવનમાં જઈને પણ તપાસ કરી, પરંતુ ત્યાં પણ હેમંત મળ્યા નહીં. ઈડીએ હેમંત સોરેનને ૧૦મી વખત સમન્સ પાઠવીને ૨૮થી ૩૧ જાન્યુઆરીની વચ્ચે પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું હતું અને ૨૭મી સુધીમાં તેનો જવાબ આપવા કહેવાયું હતું. દિલ્હી પહોંચેલા હેમંત સોરેન પૂછપરછ માટે હાજર રહેશે એવું મનાતું હતું, પરંતુ એ અટકળો વચ્ચે ઈડીને હેમંત સોરેનના નામનો એક ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આવીને ૩૧મીએ પૂછપરછ કરવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે રાંચીના જમીન કૌભાંડમાં હેમંત સોરેન પર આરોપ છે. એ મુદ્દે ઈડીએ હેમંત સોરેનની એક વખત પૂછપરછ કરી લીધી છે. બીજી વખત સમન્સ પાઠવ્યું છે. હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરોએ પણ દિલ્હીમાં તેમ જ ઝારખંડમાં ઈડીની તેમ જ કેન્દ્ર સરકારની વિરોધમાં સૂત્રોચ્ચારો અને દેખાવો કર્યા હતા.