40 દિવસથી ભારતના જંગલમાં સાંકળમાં બંધાયેલી હતી અમેરિકન મહિલા, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
Lalita Kayi Suffering From Schizophrenia : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા જંગલમાં એક અમેરિકી મહિલાને 40 દિવસ સુધી ભૂખી અને તરસી કોઈએ ઝાડ સાથે બાંધીને હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે પોલીસે આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસને આધારે જાણવા મળ્યું હતું કે, જંગલમાં બાંધીને રાખવાનો આરોપ મહિલાએ તેના પતિ પર લગાવ્યો હતો. એટલું જ નહીં, આ બધા વચ્ચે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે, મહિલાને સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે.
સ્કિઝોફ્રેનિયા બીમારી શું છે?
સ્કિઝોફ્રેનિયા એક ગંભીર માનસિક બીમારી છે. જેમાં આ બીમારીના દર્દી કોઈપણ વ્યક્તિ પર કોઈપણ વાતને લઈને ફરિયાદ કરતાં હોય છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે, આ બીમારીથી અસરગ્રસ્ત વ્યક્તિ આભાસમાં રહેવાની સાથે ડરાવતાં પડછાયા જોવાની પણ ફરિયાદ કરે છે. આ રોગમાં દર્દી કાલ્પનિક અવાજો સાંભળવાની સાથે કાંઈ દેખાવાની ફરિયાદ પણ કરે છે. આ ઉપરાંત આ બીમારીનો ભોગ બનેલા વ્યક્તિને એવું લાગે છે કે તેને કોઈ મારવા માંગે છે.
તેણે જાતે જ પોતાને ઝાડ સાથે બાંધી હતી
ગોવાના સોનુર્લી ગામના જંગલમાં 50 વર્ષની લલિતા લોખંડની સાંકળો વડે ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. 27 જુલાઈના રોજ એક ગાય ચરાવવાવાળા વ્યક્તિને તેમનો અવાજ સાંભળ્યો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, પૂછપરછ દરમિયાન મહિલાએ પોતે જ સ્વીકાર્યું હતું કે, તેણે જાતે જ પોતાને ઝાડ સાથે બાંધી હતી, તે હવે તેના પતિ સાથે નથી રહેતી.
મહિલા અમેરિકાથી તમિલનાડુમાં યોગ શીખવા આવી હતી
તપાસમાં સામે આવ્યું હતું કે, લલિતા વર્ષો પહેલાં અમેરિકાથી તમિલનાડુમાં યોગ શીખવા માટે આવ્યા પછી તેણે એક ભારતીય સાથે લગ્ન કર્યાં હતા. જો કે, બન્ને છેલ્લા ઘણા સમયથી અલગ છે. એકબીજાથી અલગ થયા પછી લલિતા સિંધુદુર્ગ આવી હતી. તેવામાં લલિતાનો પતિ કોણ છે અને એ હાલ ક્યાં છે તેને લઈને કોઈ જાણકારી નથી. બીજી તરફ, ડૉકટરોની તપાસમાં જાણવા મળ્યું કે લલિતા સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે.