'ઈદમ્ ન મમ... આ જીવન મારૂં નથી, રાષ્ટ્ર માટે છે', ભારત રત્નના એલાન બાદ અડવાણીની પહેલી પ્રતિક્રિયા

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ એલાન કર્યું

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
'ઈદમ્ ન મમ... આ જીવન મારૂં નથી, રાષ્ટ્ર માટે છે', ભારત રત્નના એલાન બાદ અડવાણીની પહેલી પ્રતિક્રિયા 1 - image


નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી 2024, શનિવાર

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. રામલલા અહીં બિરાજમાન થઈ ચૂક્યા છે. હવે મંદિર આંદોલનના સૌથી મોટો ચહેરો, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ  નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ એલાન કર્યું હતું. હવે 96 વર્ષીય અડવાણીએ આ એલાન બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હું અત્યંત નમ્રતા અન કૃતજ્ઞતાથી આ સમ્માનનો સ્વીકાર કરુ છું. તેમણે કહ્યું કે, આ મારા માટે ગર્વની ક્ષણ છે.

હું આ સમ્માનનો સ્વીકાર કરું છું: અડવાણી

ભારત રત્નના એલાન બાદ 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતાથી સ્વીકાર કરું છું. તેમણે કહ્યું કે, આ મારા માટે માત્ર એક વ્યક્તિ તરીકે સન્માન નથી પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન છે જેની મેં મારી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવનભર સેવા કરી છે. તેમણે કહ્યું કે આદર્શ વાક્ય 'ઈદમ્ ન મમ'-  'આ જીવન મારૂં નથી, તે મારા રાષ્ટ્ર માટે છે' એ મને પ્રેરણા આપી છે. તેમણે કહ્યું કે, આજે હું બે લોકો (પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી)ને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું જેમની સાથે મેં કામ કર્યું છે. આ સાથે જ તેમણે આ સન્માન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે તેમના પરિવારના તમામ સભ્યો અને તેમની સ્વર્ગસ્થ પત્ની કમલા પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

ભારત રત્નના એલાન બાદ લાલ કૃષ્ણ અડવાણીએ લોકો અને મીડિયા પર્સનનું પોતાના ઘરેથી અભિવાદન ઝીલ્યુ હતું. આ દરમિયાન તેમની પુત્રી પ્રતિભા અડવાણી પણ તેમની સાથે નજર આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભાએ તેમને મીઠાઈ ખવડાવીને તેમનું મોં મીઠુ કરાવ્યું હતું અને તેમને ગળે લગાવીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

વિભાજન બાદ પાકિસ્તાનથી ભારત આવ્યો હતો અડવાણીનો પરિવાર

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં 8 નવેમ્બર 1927ના રોજ એક હિંદુ સિંધી પરિવારમાં થયો હતો. અડવાણીએ પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ અડવાણીનો પરિવાર પાકિસ્તાન છોડીને ભારતના મુંબઈમાં સ્થાયી થયો હતો. અડવાણી વિભાજન પહેલા જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા અને ભારત આવ્યા બાદ તેઓ આરએસએસના પ્રચારક બન્યા હતા. 


Google NewsGoogle News