લાલ કિલ્લો સામાન્ય જનતા માટે 26 જાન્યુઆરી સુધી બંધ
- બર્ડ ફ્લુને પગલે લેવાયેલો નિર્ણય
- લાલ કિલ્લાના પરિસરમાંથી મળી આવેલ મૃત કાગડાનો બર્ડ ફ્લુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 જાન્યુઆરી, 2021, મંગળવાર
લાલ કિલ્લામાંથી મૃત અવસૃથામાં મળી આવેલા કાગડાનો બર્ડ ફ્લુ ટેસ્ટ પોઝિટિવ આવતા 26 જાન્યુઆરી સુધી સામાન્ય જનતા માટે લાલ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દસ જાન્યુઆરીના રોજ લાલ કિલ્લાના પરિસરમાંથી 15 કાગડા મૃત અવસૃથામાં મળી આવ્યા હતાં. મૃત કાગડાને જલંધર સિૃથત લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો હતો તેમ દિલ્હી સરકારના પશુપાલન વિભાગના ડાયરેક્ટર રાકેશ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેસ્ટિંગમાં કાગડાને બર્ડ ફ્લુ હોવાનું સપાટી પર આવ્યું છે. નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ, આઇસીએઆર, ભોપાલે પણ આ રિપોર્ટને સમર્થન આપ્યું છે.
સિંહે જણાવ્યું હતું કે સાવચેતીનાપગલારૂપે 26 જાન્યુઆરી સુધી લાલ કિલ્લાા પરિસરમાં સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટે એક આદેશમાં જણાવ્યું હતું કે બર્ડ ફ્લુને અંકુશમાં રાખવા માટે પશુપાલન વિભાગે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.
ગયા સપ્તાહમાં દિલ્હી સરકારે શહેરની બહારથી લાવવામાં આવેલ પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ચિકનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત ગાઝીપુર પોલ્ટ્રી માર્કેટને દસ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.