લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ : 1965ના યુદ્ધમાં પોતાના પરિવારને કરાવ્યો હતો ઉપવાસ, પત્નીના પેન્શનથી ચૂકવી હતી બેંકની લોન

આજના દિવસે 1966 માં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું

'જય કિસાન, જય જવાન'નો નારો આપનાર શાસ્ત્રી તેમની સ્વચ્છ છબી અને સાદગીપૂર્ણ જીવન માટે જાણીતા છે

Updated: Jan 11th, 2024

Google NewsGoogle News
લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ : 1965ના યુદ્ધમાં પોતાના પરિવારને કરાવ્યો હતો ઉપવાસ, પત્નીના પેન્શનથી ચૂકવી હતી બેંકની લોન 1 - image


Lal Bahadur Shastri: 11 જાન્યુઆરી એટલે કે આજે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ છે. 'જય કિસાન, જય જવાન'નો નારો આપનાર શાસ્ત્રીનું 11 જાન્યુઆરી 1966ના રોજ તાશ્કંદમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેઓ તેમની ઈમાનદારી અને સાદગીપૂર્ણ જીવન માટે જાણીતા છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ 9 જૂન, 1964ના રોજ શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા હતા. 

નદીમાં તરીને શાળાએ જતા 

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુગલસરાઈમાં થયો હતો. તેમની શાળા ગંગા નદીની બીજી બાજુ હતી અને શાસ્ત્રી પાસે હોડી માટે પૈસા નહોતા. તે તેના માથા પર પુસ્તકો બાંધીને ગંગા નદીમાં તરીને શાળાએ જતા. તેમણે કાશી વિદ્યાપીઠમાંથી અભ્યાસ કર્યો હતો. તેમણે 1928માં લલિતા સાથે લગ્ન કર્યા. બંનેને બે પુત્રી કુસુમ અને સુમન અને ચાર પુત્રો હરિકૃષ્ણ, અનિલ, સુનીલ અને અશોક સહિત કુલ 6 બાળકો હતા.

નવ વખત જેલમાં ગયા હતા 

1930માં 'મીઠા સત્યાગ્રહ'ને કારણે તેઓ અઢી વર્ષ જેલમાં રહ્યા. પછી સ્વતંત્રતા ચળવળને કારણે તેમને એક વર્ષની જેલની સજા થઈ. 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન તેમને ચાર વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આ પછી, તેઓ 1946 માં જેલમાંથી મુક્ત થયા. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેઓ 9 વખત જેલમાં ગયા હતા.

18 મહિના જ રહ્યા પ્રધાનમંત્રી 

તેઓ લગભગ 18 મહિના જ ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રી હતા ત્યારે ભારતે પાકિસ્તાન સાથે 1965નું યુદ્ધ જીત્યું હતું. તે સમયે  અયુબ ખાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. તાશ્કંદમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર બાદ 11 જાન્યુઆરી 1966ની રાત્રે રહસ્યમય સંજોગોમાં લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું. શાસ્ત્રીજીએ જવાહરલાલ નેહરુની માંદગી દરમિયાન રેલવે મંત્રી, પરિવહન અને સંચાર મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ગૃહ મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

દેશના બીજા વડાપ્રધાન બન્યા

પંડિત નેહરુ પછી લાલ બહાદુર શાસ્ત્રી દેશના બીજા વડાપ્રધાન બન્યા. પંડિત નેહરુના અવસાન પછી પીએમ પદની રેસમાં મોરારજી દેસાઈ અને લાલ બહાદુર શાસ્ત્રીનું નામ મોખરે હતું, પરંતુ શાસ્ત્રીજીને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમણે વડાપ્રધાન પદ સંભાળ્યું તે સમયે દેશની સામે સૌથી મોટો પડકાર અનાજનો હતો. આ બાબાએ ભારત અમેરિકા પર નિર્ભર હતું. આ ઉપરાંત 1965માં પાકિસ્તાને ભારત પર હુમલો પણ કર્યો હતો.

દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ કરવા કરી હતી અપીલ 

તેમની ઈમાનદારી અને સાદગીપૂર્ણ જીવનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ્યારે દેશમાં અનાજની ભારે અછત હતી ત્યારે તેમણે દેશવાસીઓને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાની અપીલ કરી હતી તેમજ આ બાબતની શરૂઆત તેમણે પોતાના પરિવાર સાથે કરી હતી. આ અપીલને ધ્યાનમાં રાખીને આખા ભારતે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું શરૂ કર્યું. 

મૃત્યુ પછી પત્નીએ પેન્શનમાંથી લોન ચૂકવી

લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે  વડાપ્રધાન હતા ત્યારે તેમના પરિવારના સભ્યોએ તેમને કાર ખરીદવાનું કહ્યું. તેને ફિયાટ કાર ખરીદવા માટે 12,000 રૂપિયાની જરૂર હતી, પરંતુ તેની પાસે માત્ર 7,000 રૂપિયા હતા. ઘટતી રકમાં માટે તેમણે પંજાબ નેશનલ બેંકમાંથી 5000 રૂપિયાની લોન લીધી હતી. આ કાર તેમણે 1965 માં ખરીદી હતી અને તેના એક વર્ષ બાદ જ તેમનું અવસાન થયું હતું. આ કારની લોન તેમના પત્નીએ પેન્શનમાંથી ચૂકવી હતી.

શંકાસ્પદ સંજોગોમાં થયુ હતુ મૃત્યુ 

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે તાશ્કંદની પસંદગી કરવામાં આવી હતી. જેના માટે 11 જાન્યુઆરી, 1966 ના રોજ, શાસ્ત્રીજી ઉઝબેકિસ્તાનના તાશ્કંદની સત્તાવાર મુલાકાતે ગયા હતા. અહીં બંને દેશો વચ્ચેની સમજૂતી બાદ શાસ્ત્રીજીનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું.

લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ : 1965ના યુદ્ધમાં પોતાના પરિવારને કરાવ્યો હતો ઉપવાસ, પત્નીના પેન્શનથી ચૂકવી હતી બેંકની લોન 2 - image

Google NewsGoogle News
Gujarat