નીટ-યુજી ફરીથી લેવાશે તો લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓને નુકસાન થશે : કેન્દ્ર
- નીટ-યુજી ફરીથી ન લેવા કેન્દ્ર અને એનટીએની સુપ્રીમમાં રજૂઆત
- પાંચ મેના રોજ યોજાયેલ નીટ-યુજીમાં મોટા પાયે ગરરીતિ આચરવામાં આવી હોવાના કોઇ પુરાવા ન હોવાનો સરકારનો દાવો
- ફક્ત પટણા અને ગોધરા કેન્દ્રોમાં ગેરરીતિ થઈ હતી : એનટીએ
નવી દિલ્હી : કેટલાક વિદ્યાર્થીઓ નીટ-યુજી ૨૦૨૪ પરીક્ષાને રદ કરવાની માગ કરી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે પરીક્ષા રદ કરીને ફરીથી લેવાથી પ્રામાણિક વિદ્યાર્થીઓને મોટા પાયે નુકસાન થશે.
ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એમબીબીએસ, બીડીએસ સહિતના મેડિકલ સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નીટ-યુજીનું આયોજન કરે છે.આ પરીક્ષા સમગ્ર દેશમાં પાંચ મેના રોજ લેવામાં આવી હતી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને એનટીએએ પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા લેવાની માગ કરતી અરજીઓનો વિરોધ કરવા માટે અલગ અલગ એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા છે.
કેન્દ્ર સરકાર અને એનટીએએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે પાંચ મેના રોજ લેવામાં આવેલ પરીક્ષામાં થયેલ અનિયમિતતાના કેસોની સીબીઆઇ તપાસ કરી રહી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે પાંચ મેના રોજ ૫૭૧ શહેરોમાં ૪૭૫૦ કેન્દ્રો પર લેવામાં આવેલ પરીક્ષામાં મોટા પાયે અનિયમિતતા આચરવામાં આવી હોવાના કોઇ પુરાવ મળ્યા નથી. પાંચ મેના રોજ ૨૩ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે વર્ષોના કઠિન પરિશ્રમ અને કોઇ પણ જાતની ગેરરીતિ વગર પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે.
સુપ્રીમ કોર્ટ આઠ મેના રોજ નીટ અંગેની તમામ અરજીઓની સુનાવણી કરશે. આ અરજીઓમાં પરીક્ષામાં અનિયમિતતાના આરોપ મૂકતી અરજીઓ, પાંચ મેના રોજ યાજોયેલ પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા લેવી, નવેસરથી પરીક્ષા ન લેવાની માગ કરતી અરજીઓ સામેલ છે.