બહરાઈચમાં માનવભક્ષી વરુ તો લખીમપુર ખીરીમાં વાઘનો આતંક, વધુ એક ખેડૂતનો લીધો જીવ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
બહરાઈચમાં માનવભક્ષી વરુ તો લખીમપુર ખીરીમાં વાઘનો આતંક, વધુ એક ખેડૂતનો લીધો જીવ 1 - image


Image Source: Freepik

Tiger Attack: લાખો પ્રયાસો બાદ પણ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વાઘનો આતંક ખતમ નથી થઈ રહ્યો. ખીરીમાં માનવભક્ષી વાઘે વધુ એક ખેડૂતનો જીવ લીધો છે. આતંકનો પર્યાય બની ગયેલા વાઘે 12 દિવસ બાદ ફરી એક ગ્રામીણને ખેંચી ગયો હતો. વન વિભાગની લાઠી-દંડા લઈને કોમ્બિંગ કરતી રહી ગઈ અને વધુ એક જીવલેણ હુમલો થઈ ગયો. વન વિભાગની બેદરકારીના કારણે ગ્રામજનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

ઈમલિયા ગામ નજીક ખેતરમાં ગયેલા ખેડૂતને વાઘ ખેંચી ગયો. શેરડીના ખેતરમાંથી ખેડૂતની વિકૃત લાશ મળી આવી છે. નજીકમાં ખેડૂતનો મોબાઈલ ફોન પણ પડેલો મળી આવ્યો છે. 

ઘરેથી ખેતરે ગયો હતો ખેડૂત

હૈદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ મુડા અસ્સીનો રહેવાસી ખેડૂત શાકિર બુધવારે ઘરેથી ખેતરમાં ગયો હતો. અહીં પહેલેથી જ રાહ જોઈને બેઠેલો વાઘ ખેડૂતને ઝાડીઓમાં ખેંચી ગયો અને પોતાનો કોળીયો બનાવી લીધો. ઘટનાની સૂચના પોલીસ અને વન વિભાગને આપવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ગ્રામજનોને ખેતરોમાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. તેમજ નજીકના સ્થળોએ બાળકો અને વૃદ્ધોને સંપૂર્ણપણે ઘરમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. વાઘના ડરથી ગ્રામજનો ઘરની બહાર નથી નીકળી શકતા.

12 દિવસ પહેલા પણ કર્યો હતો હુમલો

માનવભક્ષી વાઘે 12 દિવસ પહેલા ઈમલિયા ગામના ખેડૂત અમરીશને પણ આવી જ રીતે પોતાનો કોળીયો બનાવી લીધો હતો. આ પહેલા પણ માનવભક્ષી વાઘ અનેક લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે. આ વિસ્તારમાં વાઘ ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને વન વિભાગની ટીમો લાઠી-ડંડાના સહારે કોમ્બિંગ કરી રહી હતી. તેમની પાસે સંપૂર્ણ સંસાધનો પણ નથી, તેથી તેમને આ પ્રકારના માનવભક્ષી વાઘનો સામનો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમલિયાના ખેડૂત અમરીશ પર હુમલો કર્યા બાદ વાઘ ગામની આસપાસ 5 કિલોમીટરના દાયરામાં જ ફરી રહ્યો હતો. વાઘને પકડવા માટે વન વિભાગે 24 કેમેરા અને છ પાંજરા મુક્યા હતા જેમાં વાઘની તસવીર કેદ થઈ રહી હતી પરંતુ તે પાંજરામાં નહોતો આવી રહ્યો. હવે વાઘના હુમલાથી થઈ રહેલા મોતને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે. તેમણે વન વિભાગના અધિકારીઓને ચેતવણી આપી છે કે જો આ વાઘને પકડવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈને ધરણા પ્રદર્શન કરીશું.


Google NewsGoogle News