'લડકી હું લડ સકતી હું' : દક્ષિણ ભારતથી પ્રિયંકા ગાંધીની 'ચૂંટણી રાજકારણ'માં એન્ટ્રી
Priyanka Gandhi: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી આખરે સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઇ રહ્યા છે. પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતની લોકસભાની ચૂંટણી રાયબરેલી અને વાયનાડ એમ બન્ને બેઠકો પરથી જંગી લીડથી જીત્યા હતા. નિયમ મુજબ રાહુલે એક બેઠક ખાલી કરવાની હોય છે. તેથી તેમણે વાયનાડની બેઠક જતી કરી છે. તેથી આ બેઠક પર ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવ્યા હતા
વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા અને તેમને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. બાદમાં વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે પ્રચાર કર્યો હતો, જે દરમિયાન તેમનું એક સુત્ર 'લડકી હું લડ સકતી હું' ચર્ચામાં રહ્યું હતું. હવે ખરેખર પ્રિયંકા ગાંધી માટે પોતાના આ સુત્રને સાકાર કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય વરીષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. જે દરમિયાન રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીની બેઠક ખાલી કરે કે કેરળના વાયનાડની તેના પર ચર્ચા થઇ હતી.
પક્ષના નિર્ણયને પ્રિયંકા ગાંધીએ સ્વીકાર્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક યથાવત રાખીને લોકસભામાં તેનું પ્રતિનિધિત્વ કરતા રહેશે. જ્યારે પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે. ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે બેમાંથી એક બેઠક ખાલી કરવા માટે રાહુલ ગાંધી પાસે 18મી જૂન સુધીનો સમય હતો. તેના એક દિવસ પૂર્વે અમે આ નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીને વાયનાડની જનતા તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. ત્યાંની જનતા પણ ઇચ્છે છે કે રાહુલ ગાંધી વાયનાડ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રહે. પરંતુ નિયમ મુજબ તે શક્ય ના હોવાથી પ્રિયંકા ગાંધીને આ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવાયો છે. પક્ષના આ નિર્ણયને પ્રિયંકા ગાંધીએ પણ સ્વીકાર્યો છે.
પ્રથમ વખત પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાને
પ્રથમ વખત એવુ બનશે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેઓ અગાઉ કોઇ પણ ચૂંટણી નથી લડયા. પ્રિયંકા ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વાયનાડ બેઠકનું પ્રતિનિધિત્વ કરવા મળશે તેથી હું ખુશ છું, હું ઇચ્છુ છું કે વાયનાડની જનતા રાહુલ ગાંધીની ગેરહાજરીને મહેસૂસ ના કરે. રાહુલની ગેરહાજરીનો ખાલીપો નહી રહેવા દઉ. જ્યારે વાયનાડથી બહેન પ્રિયંકાનું નામ જાહેર થતા રાહુલ ગાંધીએ ખુશી વ્યક્ત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે વાયનાડના લોકો હવે કહી શકશે કે તેમને ત્યાંથી બે લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એક મારી બહેન પ્રિયંકા અને બીજો હું. વાયનાડની જનતા માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. વાયનાડના દરેક વ્યક્તિને હું પ્રેમ કરું છું.