લોકસભામાં ઝટકા બાદ મહાયુતિએ આ એક યોજનાથી પલટી બાજી, મહિલાઓએ આપ્યા જીતના આશીર્વાદ
Ladki Bahen Yojana: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની આજે મત ગણતરી થઈ રહી છે. ચૂંટણી પહેલા, મહાયુતિ સરકારે મહિલાઓ માટે શરૂ કરેલી મુખ્યમંત્રી - મારી લાડકી બહેન યોજનાને 'ગેમ ચેન્જર' ગણાવી હતી અને સમગ્ર પ્રચારમાં તેને એક મહત્વપૂર્ણ મુદ્દો બનાવ્યો હતો. આ યોજના મહાયુતિ અને એમવીએ માટે એ અર્થમાં પણ મહત્વની હતી કે બંનેએ તેમના ચૂંટણી ઢંઢેરામાં આ યોજનાનો સમાવેશ કર્યો હતો. શાસક પક્ષના નેતાઓએ મહારાષ્ટ્રના પરિણામોનું શ્રેય લાડકી બહેન યોજનાને આપ્યું છે.
જાણો મારી લાડકી બહેન યોજના વિષે
મહારાષ્ટ્ર સરકારે 28 જૂન 2024ના રોજ 'મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના' શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ યોજના દ્વારા, મહારાષ્ટ્રમાં 21 થી 65 વર્ષની વયની મહિલાઓના પરિવારની વાર્ષિક આવક રૂ. 2.50 લાખથી વધુ ન હોય તેમને 1,500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ DBT દ્વારા મહિલાઓને તેમના ખાતામાં સીધો આપવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે આ યોજના રાજ્યમાં મહિલાઓની આર્થિક સ્વતંત્રતા સુધારવા, તેમના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવા અને પરિવારમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત, સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા
ચૂંટણી પ્રચારમાં યોજના આ રીતે બની મુદ્દો
મહાયુતિએ લાડકી બહેન યોજનાનો ચૂંટણી દરમિયાન ખૂબ જ પ્રચાર કર્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે આ યોજના ચૂંટણીમાં સરકાર માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે.
વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં મહાયુતિએ લાડકી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તે જ સમયે, મહાવિકાસ આઘાડી (MVA) એ પણ તેના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને દર મહિને 3,000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.