હાડ થીજવતી ઠંડી વચ્ચે લદાખમાં સેંકડો લોકો રસ્તા પર, પૂર્ણ રાજ્યના દરજ્જા સહિત ચાર માંગ
Ladakh Protest Reason : હાડ થીજવતી ઠંડી વચ્ચે કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. સામાન્ય રીતે સૌથી શાંત રહેનારા દેશના આ વિસ્તારમાં લોકો રોડ પર ઉતરી આવતા હડકંપ મચ્યો છે. અહીંના લોકોની એક ખાસ માંગ છે. લદાખના લોકોનું કહેવું છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. પાંચમી ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરથી અલગ કરીને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયું હતું.
લદાખમાં હજારો લોકોના વિરોધ પ્રદર્શનના કારણે મોટા પ્રમાણમાં દુકાનો બંધ કરી દેવાઈ હતી. વિરોધ પ્રદર્શનની આગેવાની લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) દ્વારા કરાઈ રહી છે. વિરોધ પ્રદર્શનનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે શિયાળામાં પણ મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. તો આવો જાણીએ કે લદાખમાં થઈ રહેલા દેખાવો પાછળની હકીકત શું છે.
શું છે દેખાવકારોની માંગ?
જમ્મુ કાશ્મીરથી જ્યારે પાંચમી ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 અને 35A હટાવાઈ, તો તે સમયે રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયું હતું. તેમાંથી એક જમ્મુ કાશ્મીર રહ્યું, જે વિધાનસભા વાળું કેન્દ્રશાસિત બન્યું. જ્યારે લદાખને વગર વિધાનસભા વાળું કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયું. શરૂઆતમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પર લદાખમાં વધુ વિરોધ ન થયો, પરંતુ ધીરે ધીરે વિરોધ શરૂ થયો અને તેનું પરિણામ હાલના ઉગ્ર દેખાવો છે.
જો કે લદાખના લોકોનું કહેવું છે કે, ‘અમે પૂર્ણ રાજ્યનો દરજ્જો ઈચ્છીએ છીએ. લોકો અહીંની નોકરશાહીથી પરેશાન થઈ ચૂક્યા છે. અમારી માંગ છે કે પ્રજાને પોતાના પ્રતિનિધિઓને પસંદ કરવાની તક મળવી જોઈએ. આ તમામ શક્ય થઈ શકે જ્યારે રાજ્ય પૂર્ણ રાજ્ય બને. એલએબી અને કેડીએ લદાખના બે વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસોમાં આ લોકો એકઠા થઈને દેખાવોની આગેવાની કરી રહ્યા છે. ઓગસ્ટ 2021માં બને સાથે આવ્યા, જેથી વિરોધના અવાજને બુલંદ કરી શકાય.
લદાખમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની મુખ્ય માંગ કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્ય બનાવવું, બંધારણની છઠી અનુસૂચીને લાગૂ કરવી અને લેહ અને લદાખ કારગિલ જિલ્લા માટે અલગ અલગ સંસદીય બેઠકો સ્થાપિત કરવી. છઠ્ઠી અનુસૂચિ હેઠળ જનજાતીય વિસ્તારોમાં સ્વાયત્ત જિલ્લા બનાવવાની જોગવાઈ છે. લદાખમાં પણ કેટલીક પ્રકારની જનજાતિઓ રહે છે, એટલા માટે આ માંગ વધુ ઉગ્ર બની ગઈ છે.