સરહદે લદ્દાખના પશુપાલકોએ ચીની સૈનિકોને પાછા ધકેલ્યા, વીડિયો વાયરલ
- પશુપાલકોને કાઢી મૂકવા આવેલા ચીની સૈનિકોએ પાછા જ ફરવું પડયું
- ચીની સૈનિકોને પશુપાલકોએ કડક શબ્દોમાં કહી દીધુ કે આ અમારી ધરતી છે, અમે નહીં પણ તમે અહીંથી જતા રહો
શ્રીનગર : લદ્દાખમાં ચીનની સરહદ પાસે ભારતીય પશુપાલકો પોતાના ઢોર ચરાવી રહ્યા હતા, એવામાં કેટલાક ચીની સૈનિકો આ પશુપાલકોને ધમકાવવા માટે આવ્યા હતા અને સરહદી વિસ્તારમાં ઢોર ના ચરાવવાની ધમકી આપી હતી. જોકે આ પશુપાલકોએ નિડર બનીને ચીની સૈનિકોનો સામનો કર્યો હતો અને તેમને પાછા ખસેડયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો પરથી સ્પષ્ટ જણાઇ રહ્યું છે કે ચીની સૈનિકો ભારતીય પશુુપાલકોને પરેશાન કરવાના ઇરાદાથી જ આવ્યા હતા, તેઓએ પશુપાલકોને પહેલા જ સ્થળ પરથી જતા રહેવા કહ્યું હતું, જોકે પશુપાલકોએ જવાની ના પાડી દીધી અને ચીની સૈનિકોની સાથે આકરા શબ્દોમાં તકરાર કરવા લાગ્યા હતા. પશુપાલકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીની સૈનિકોને કહી દીધુ હતું કે જ્યાં અમે આ પશુઓ ચરાવી રહ્યા છીએ તે ધરતી અમારી છે અને અમે અહીંયાથી પાછા નહીં જઇએ. ચીની સૈનિકોને પાછા જતા રહેવા પણ કહી દીધુ હતું. પશુપાલકો આ વિસ્તારમાં દરરોજ ઘેટા બકરા ચરાવે છે.
ચીની સૈનિકોને મોઢા પર જ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દેનારા આ ભારતીય પશુપાલકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, લોકો આ બહાદુર પશુુપાલકોના ભારે વખાણ કરી રહ્યા છે. ૨૦૨૦માં અહીંની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય જવાનો સામસામે આવી ગયા હતા, જે દરમિયાન હિંસક ઘર્ષણમાં ભારતના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા, આ ઘટના બાદ લદ્દાખના આ વિસ્તારમાં પશુપાલકો દ્વારા ઢોર ચરાવવાનું બંધ કરાયું હતું પણ હવે સ્થાનિકો બહાદુરી બતાવીને આ વિસ્તારમાં પોતાના પશુઓ ચરાવી રહ્યા છે. જે ચીની સૈનિકોને સહન નથી થઇ રહ્યું અને ભારતીય પશુુપાલકોને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે સ્થાનિકો મક્કમ બનીને તેનો સામનો કરી રહ્યા છે. હાલ તો ચીની સૈનિકો આ વિસ્તારમાંથી પરત જતા રહ્યા છે પણ આગામી દિવસોમાં તેઓ ફરી પરત આવશે કે કેમ તેને લઇને કઇ કહેવું મુશ્કેલ છે. સાથે જ ભારત આ મુદ્દો ચીન સાથે ઉઠાવશે કે કેમ તેને લઇને પણ સવાલો ઉઠી શકે છે.