Get The App

કાશ્મીરમાં રાજકીય ગરમાવા વચ્ચે કેન્દ્રની મોટી જાહેરાત, લદાખમાં પાંચ નવા જિલ્લાની રચના

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
કાશ્મીરમાં રાજકીય ગરમાવા વચ્ચે કેન્દ્રની મોટી જાહેરાત, લદાખમાં પાંચ નવા જિલ્લાની રચના 1 - image
Image  IANS

Ladakh 5 New Districts: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં 5 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને અમિત શાહે લખ્યું છે કે, વિકસિત અને સમૃદ્ધ લદાખ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ અનુરુપ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ જિલ્લાના નામ પણ જાહેર કરાયા છે, જેમાં ઝાંસ્કાર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગ સામેલ છે. શાહે કહ્યું કે, લદાખના દરેક ભાગમાં શાસનને મજબૂત કરીને પ્રજાને તેમના ઘર સુધી લાભ પહોંચાડવામાં આવશે. મોદી સરકાર લદાખની પ્રજાને મોટા પાયે તકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

ચાર નવા જિલ્લા બનાવવાથી થશે આવા ફાયદા

મોટા જિલ્લા હોવાથી વહીવટીકામ ધીમી ગતિએ થતું હોય છે અને વહીવટી તંત્ર છેવાડાના વિસ્તારો સુધી ઝડપથી નથી પહોંચી શકાતું. એમાંય લદાખ તો પર્વતીય ક્ષેત્ર, એટલે ત્યાં છેવાડાના વિસ્તાર સુધી પહોંચવામાં વિશેષ મુશ્કેલીઓ પડતી હોય છે અને વધારે સમય પણ લાગતો હોય છે. આવા કારણોને લીધે વર્ષો સુધી લદાખનો વિકાસ મર્યાદિત પ્રમાણમાં જ થયો છે.

લદાખમાં પહેલાં માત્ર 2 જિલ્લા હતા, હવે 7 

વર્ષ 2019માં લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને તેને એક નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. તે સમયે કેન્દ્રશાસિત પ્રદેશમાં માત્ર બે જ જિલ્લા હતા - લેહ અને કારગિલ. પરંતુ હવે લદાખમાં વધુ પાંચ નવા જિલ્લા (ઝાંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ) બનાવવામાં આવ્યા છે. આ સાથે લદાખમાં કુલ 7 જિલ્લાઓ થઈ જશે. 1979 માં લદાખને કારગિલ અને લેહ જિલ્લામાં વહેંચવામાં આવ્યો હતો.

વર્ષ 1989માં બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે રમખાણો થયા હતા. ત્યાર બાદ 1990ના દાયકામાં જ લદાખને કાશ્મીરી શાસનમાંથી મુક્ત કરવા માટે લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. તે 5 ઑગસ્ટ 2019ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. લદાખ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ છે.

લદાખ ચીન-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલું છે

ચીન અને પાકિસ્તાનની સરહદે આવેલ લદાખને રણનીતિ  અને સંરક્ષણ દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. લદાખ પૂર્વમાં તિબેટ, દક્ષિણમાં લાહૌલ અને સ્પીતિ, પશ્ચિમમાં જમ્મુ કાશ્મીર અને બાલ્ટિસ્તાન અને ઉત્તરમાં શિનજિયાંગના ટ્રાન્સ કુનલુન પ્રદેશથી ઘેરાયેલું છે.

હવે લદાખના લોકોને કેન્દ્રની યોજનાઓનો લાભ મળશેઃ મોદી 

આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, 'લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાથી શાસન સુધારવામાં મદદ મળશે. એનાથી લોકોને સેવાઓ અને તકો પહોંચાડવામાં મદદ મળશે.’

કલમ 370 નાબૂદી પછીની આ મોટી જાહેરાત

કલમ 370એ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે તેને 2019માં નાબૂદ કરી દીધો હતો. એ વખતે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. જેને લીધે લદાખનો વહીવટ સીધો ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.


Google NewsGoogle News