ક્યાંક મજૂરની હત્યા તો ક્યાંક વૃદ્ધની ધોલાઇ... શંકા હેઠળ લોકોની ભીડે ક્રૂરતાની હદો વટાવી
Envato |
Maharastra and Haryana News | દેશના બે જુદા જુદા રાજ્યોથી હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી હતી. પહેલી ઘટના દિલ્હી નજીકના હરિયાણાથી તો બીજી ઘટના મહારાષ્ટ્રમાં બની હતી. બંને ઘટનાઓમાં એક વાત કોમન હતી કે બીફની આશંકા હેઠળ ભીડે ક્રૂરતાની હદો વટાવી. એક તરફ લોકોની ભીડે પીડિત વ્યક્તિને એટલી હદે માર્યો કે તે મૃત્યુ પામી ગયો. જોકે બીજી ઘટનામાં લોકોની નિર્દયી ભીડે વૃદ્ધ સાથે મારપીટ કરી. બંને ઘટનાઓમાં પોલીસે કાર્યવાહી કરી. હરિયાણામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી જેમાં 2 સગીરો હતા જ્યારે મહારાષ્ટ્રના ધૂલેમાં આરોપીઓને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.
પહેલી ઘટના હરિયાણામાં બની...
સૌથી પહેલા વાત કરીએ હરિયાણાની. આ રાજ્યમાં ચૂંટણી નજીક છે ત્યાં ચરખી દાદરી જિલ્લામાં પ.બંગાળના રહેવાશી એક પ્રવાસી મજૂરને નિર્દયતાપૂર્વક મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો. પોલીસે કહ્યું કે ગૌરક્ષક દળના લોકોએ બીફ ખાવાની માત્ર શંકા હેઠળ પીડિતને ક્રૂરતાપૂર્વક માર્યો હતો. જોકે આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં કથિત ગૌરક્ષક સમૂહના 5 લોકોની ધરપકડ કરી લીધી હતી. તેમાં 2 તો સગીર હતા. આ મામલે ખુદ મુખ્યમંત્રી નાયબ સિંહે પ્રતિક્રિયા આપી અને દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
બીજી ઘટના મહારાષ્ટ્રમાં બની...
હવે વાત કરીએ મહારાષ્ટ્રની ઘટનાની. અહીં ધૂલે એક્સપ્રેસ ટ્રેનમાં બીફ લઇ જતા હોવાની માત્ર શંકા હેઠળ એક વૃદ્ધ યાત્રી સાથે યુવા લોકોની ભીડે મારપીટ કરી હતી. ધૂલેમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ અશરફ અલી સય્યદ હુસૈન તેમની દીકરીને મળવા માટે જલગાંવથી કલ્યાણ જવા નીકળ્યા હતા. આ યાત્રા સાથે મુસાફરી કરનારા લોકો સાથે કોઈ વાતને લઈને વિવાદ થતાં આ ઘટના બની હતી. પીડિત વૃદ્ધે કહ્યું કે લોકોએ મને શંકા હેઠળ માર્યો. મને એ લોકોએ અપશબ્દો કહ્યા અને ઘટનાનો વીડિયો પણ બનાવ્યો.