કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત
Image Source: Twitter
Firing During mahayagya Event In Kurukshetra: હરિયાણાના કુરુક્ષેત્રના કેશવ પાર્કમાં ચાલી રહેલા 1000 કુંડી યજ્ઞ વચ્ચે બબાલ થઈ ગઈ છે. યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિ ઓમ દાસના અંગત સુરક્ષા કર્મચારીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાયજ્ઞમાં હાજરી આપવા આવેલા કેટલાક યુવાનોએ વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી, જેના પછી વિવાદ થયો હતો. આ ઝઘડા દરમિયાન મહાયજ્ઞના આયોજક હરિ ઓમ દાસના સુરક્ષા કર્મચારીએ ફાયરિંગ કરી દીધુ હતું, જેમાં ત્રણ યુવાનો ઘાયલ થઈ ગયા છે.
પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી પથ્થરમારો કર્યો
આશિષ તિવારી નામના યુવકને ગંભીર હાલતમાં લોકનાયક જયપ્રકાશ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાથી રોષે ભરાયેલા એક વિશેષ જાતિના લોકોએ મહાયજ્ઞ સ્થળની બહાર કુરુક્ષેત્ર-કૈથલ રોડ બ્લોક કરી દીધો છે અને પથ્થરમારો કર્યો છે. પ્રદર્શનકારીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે કડકાઈ દાખવી અને જામ ખોલવાનો પ્રયાસ કર્યો. હાલમાં ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી છે. જોકે, વાતાવરણ હજુ પણ તંગ છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
મહાયજ્ઞની શરૂઆત 18 માર્ચથી થઈ હતી
આ મહાયજ્ઞની શરૂઆત 18 માર્ચથી થઈ હતી અને તે 27 માર્ચ સુધી ચાલુ રહેશે. તેના માટે 1008 કુંડી યજ્ઞશાળાઓ બનાવવામાં આવી હતી. મહાયજ્ઞમાં દરરોજ 1,00,000 આહૂતિ આપવામાં આવી રહી હતી. આ આયોજનનો સૂત્રધાર હરિ ઓમ દાસ છે, જે યજ્ઞ સમ્રાટના નામથી ઓળખાય છે. અત્યાર સુધીમાં તેમણે દેશભરના 24 રાજ્યોમાં 101 મહાયજ્ઞોનું આયોજન કરાવ્યું છે. તેમનો સંકલ્પ છે સમગ્ર ભારતવર્ષમાં 108 મહાયજ્ઞ કરાવવાનો છે. કુરુક્ષેત્રમાં 18 માર્ચથી શરૂ થયેલો મહાયજ્ઞ આ પ્રકારનો 102મો મહાયજ્ઞ છે. આ મહાયજ્ઞમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી, મુખ્યમંત્રીના પત્ની સુમન સૈની અને પૂર્વ રાજ્યમંત્રી સુભાષ સુધા જેવા ઘણા મોટા નેતાઓ સામેલ થઈ ચૂક્યા છે.