કુંભ મેળામાં જવાનું વિચારો છો? જાણો રાત્રિ રોકાણનો ખર્ચ અને ત્યાં પહોંચવાના વિકલ્પો
Kumbh Mela 2025 : હિન્દુઓના સૌથી મોટા ધાર્મિક મેળાવડા પૈકીનો એક એવો મહા કુંભ મેળો પ્રયાગરાજ (Prayagraj)માં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. ભારતમાં પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન એ ચાર સ્થળે કુંભ મેળો ભરાય છે. જે-તે સ્થળે દર 12 વર્ષે એક વાર કુંભ મેળાનું આયોજન થાય છે, જેની મુલાકાતે સમગ્ર ભારત અને વિશ્વભરના દેશોના આસ્થાળુઓ આવે છે.
40 કરોડથી વધુ મુલાકાતીઓનો અંદાજ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારનો અંદાજ છે કે આ વર્ષના પ્રયાગરાજ કુંભ મેળામાં દેશ-વિદેશના 40-45 કરોડ લોકો હાજરી આપશે! આ વિશ્વ રેકોર્ડ હશે. મુલાકાતીઓમાં સમાજના પ્રત્યેક વર્ગના લોકો હશે. મેળામાં હાજર રહેનાર કેટલીક જાણીતી હસ્તીઓના નામની ચર્ચા અત્યારથી જ મીડિયામાં ચાલી રહી છે.
શું છે ફ્લાઇટના વિકલ્પો?
• ઝડપી આવાગમનની વાત કરીએ તો હવાઈ મુસાફરી દ્વારા પ્રયાગરાજ પહોંચવા માટે 13 થી 19 જાન્યુઆરી માટે દિલ્હી-પ્રયાગરાજની ફ્લાઈટની કિંમત (Flight Fare) 5,000 અને 7,500 રૂપિયા વચ્ચે છે. 10 થી 12 જાન્યુઆરી માટે આ રુટની ફ્લાઇટના દર 10,000 થી 13,000 રૂપિયા જેટલા છે.
• મુંબઈથી પ્રયાગરાજની ફ્લાઈટ 7,500 થી 12,000 રૂપિયામાં ઉપલબ્ધ છે.
• ચેન્નાઈથી પ્રયાગરાજની ફ્લાઈટ 13,000 થી 25,000 રૂપિયા સુધીની છે.
• બેંગલુરુથી પ્રયાગરાજની ફ્લાઇટની કિંમત 6,800 થી લઈને 12,000 રૂપિયા વચ્ચે છે.
• તમામ ફ્લાઇટ્સના દર સમય સાથે વધતા જાય એવું બની શકે છે.
આ છે રેલવે માર્ગના વિકલ્પો
જે લોકો ટ્રેન દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું વિચારી રહ્યા છે તેમના માટે શરૂઆતના દિવસે, એટલે કે 13 જાન્યુઆરીના દિવસની ટિકિટની ઉપલબ્ધતા અત્યંત મર્યાદિત છે. નીચે મુજબની ટ્રેનો (Train Fare) ઉપલબ્ધ છે.
• દિલ્હીથી ઉપડતી વંદે ભારત (22436) ટ્રેન સવારે 6:00 વાગ્યે નીકળશે અને બપોરે 12:08 વાગ્યે પ્રયાગરાજ પહોંચાડશે. 13 અને 14 જાન્યુઆરી માટે લાંબું વેઇટિંગ લિસ્ટ છે. અત્યારે એમાં 15 જાન્યુઆરીથી ટિકિટ ઉપલબ્ધ છે.
• DBRT રાજધાની (12424) દિલ્હીથી સાંજે 4:20 વાગ્યે ઉપડે છે અને રાતે 11:08 વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે. એમાં 13 જાન્યુઆરી માટે કોઈ ટિકિટ ઉપલબ્ધ નથી, પરંતુ 14થી 16 અને 18 જાન્યુઆરી માટે વિકલ્પો ખુલ્લા છે.
• RJPB તેજસ રાજધાની (12310) દિલ્હીથી સાંજે 5:10 વાગ્યે ઉપડે છે અને રાતે 12:03 વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે. એની ટિકિટ 13 જાન્યુઆરીના રોજ ઉપલબ્ધ નથી, પરંતુ 14થી 16 જાન્યુઆરી સુધી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા: આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન
આ વિશેષ ટ્રેન સેવાનો લાભ લઈ શકાય
15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી IRCTC એક વિશેષ 'ભારત ગૌરવ ટ્રેન' સેવા શરૂ કરશે. એ ટ્રેનમાં 14 કોચ હશે અને પ્રતિ સફર લગભગ 750 મુસાફરોને સમાવી શકાશે. આ વિશેષ ટ્રેન સેવા પ્રયાગરાજ ખાતેના ‘મહાકુંભ ગ્રામ IRCTC ટેન્ટ સિટી’ પેકેજનો એક ભાગ છે. આ ટ્રેન પૂનાથી ઉપડશે.
અમદાવાદથી કઈ રીતે જશો?
• રેલવે માર્ગે અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે બરૌની એક્સ્પ્રેસ (19483), બનારસ વીકલી સુપરફાસ્ટ એક્સ્પ્રેસ (12945) અને અઝિમાબાદ એક્સ્પ્રેસ (12947) જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. અલબત્ત, તમામ ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ છે, એટલે કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા નહીંવત છે. મુલાકાતીઓએ તત્કાલ સેવા પર આધાર રાખવો પડશે.
• અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેના હવાઈ વિકલ્પો પણ સસ્તા નથી. 13 જાન્યુઆરીની સવારની ફ્લાઇટ્સની ટિકિટની કિંમત 12000 રૂપિયાથી લઈને 17000 રૂપિયા સુધીની છે.
ક્યાં રહેવું સૌથી મોંઘું હશે?
મેળાનું મુખ્ય સ્થળ ‘ત્રિવેણી સંગમ’ છે, જેની નજીકની હોટેલની કિંમતો પ્રતિ રાત્રિ 11,000 થી લઈને 30,000 રૂપિયા સુધીની છે. ત્યાંના ‘ઇસ્કોન ગેસ્ટ હાઉસ’માં બે પુખ્ત વયના લોકો માટે રોકાવાનું ઓછામાં ઓછું ભાડું એક રાતનું 25,000 રૂપિયા છે. અલબત્ત, પ્રયાગરાજમાં બજેટ-ફ્રેંડલી વિકલ્પો ઉપલબ્ધ છે, પણ એમાંય રાત્રિ દીઠ 5,000 થી 7,800 રૂપિયા સુધીની કિંમતો ચૂકવવાની તૈયારી રાખવી પડશે. એટલે એમ કહી શકાય કે પ્રયાગરાજના કુંભ મેળાની મુલાકાત લેવું મોંઘું પડશે.