ચૂંટણી પહેલા કોંગ્રેસનું વધ્યું ટેન્શન: CM પદની રેસમાં ગણાતા મહિલા નેતા નારાજ, ભાજપ થયું આક્રમક
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીના જોરશોરથી ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે એક જ દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ફટકો પડ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને ઝટકો આપ્યા બાદ હવે કોંગ્રેસ સાંસદે પણ પાર્ટીનું ટેન્શન વધારી દીધું છે.
કોંગ્રેસ સાંસદ કુમારી સૈલજા પાર્ટીથી નારાજ
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના સાંસદ કુમારી સૈલજા પાર્ટીની નારાજ થયા છે. એવું કહેવાય છે કે, ટિકિટ વહેંચણી મુદ્દે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના કેમ્પને વધુ પ્રાધાન્ય અપાતા તેઓ નારાજ થયા છે. આ જ કારણે સૈલજા એક અઠવાડિચાથી પ્રચારમાં જોવા મળ્યા નથી. તેમણે છેલ્લા આઠ દિવસથી એકપણ પ્રેસ રિલીઝ જાહેર કરી નથી. જોકે આ દરમિયાન તેઓ સમર્થકો સાથે મુલાકાત કરતા રહ્યા છે. સૂત્રો મુજબ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો સતત મુલાકાતો કરી રહ્યા છે.
ભાજપના નેતા રમિત ખટ્ટરે પણ કોંગ્રેસને આપ્યો ઝટકો
આ પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટરે કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તેઓ ગઈકાલે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, જોકે થોડા કલાકોમાં જ તેઓ ફરી ભાજપમાં આવી ગયા હતા. પછી તેમણે કહ્યું હતું કે, ‘હું તો ત્યાં ચા પીવા ગયો હતો. હું તો કોંગ્રેસમાં જોડાયો જ નથી. ભારત ભૂષણ બન્નાએ મારા ખભા પર કોંગ્રેસનો ખેસ રાખી દીધો હતો. પછી મારી તસવીર ખેંચવામાં આવી અને તેને ફેલાવવામાં આવી. હું ભાજપ અને મનોહર લાલજી સાથે જ છું.’
હુડ્ડાના જૂથને કેટલી અપાઈ ટિકિટ?
ચૂંટણી પ્રચારમાં સાંસદ કુમારી સૈલજા ન દેખાતા ઘણા સવાલો ઉઠ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસે હરિયાણાની 90 બેઠકોમાંથી 89 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હુડ્ડાના કહેવા પર પાર્ટીએ 72 ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કુમારી સૈલજાના જૂથમાં નવ ટિકિટો આપવામાં આવી છે. ટિકિટ વહેંચણી પહેલા કુમારી સૈલજા સતત રેલીઓમાં જોવા મળ્યા હતા, જોકે તેઓએ ચૂંટણી પ્રચાર બંધ કરી દેતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે, તો બીજીતરફ ભાજપે આ મુદ્દાને લઈ સક્રિય થઈ ગયું છે.
આ પણ વાંચો : હરિયાણામાં છ જ મહિનામાં ફરી CM બદલશે ભાજપ? રેસમાં આવ્યા બીજા બે નામ, જાણો શું છે પડકાર
કુમારી સૈલજા નારાજ થતા ભાજપ સક્રિય
ભાજપે કુમારી સૈલજાની નારાજગી મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કહ્યું કે, કોંગ્રેસ દલિતોનું હિત નથી ઈચ્છતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, હુડ્ડા પરિવાર દલિત પુત્રી કુમારી સૈલજાનું એકપણ વખત સન્માન કરી શકી નથી તો પછી રાજ્યના અન્ય દલિતોનું શું કરશે?