VIDEO : એ..એ..ગઈ...7 સેકન્ડમાં નદીમાં સમાઈ 4 માળની ઇમારત, ભયાનક દૃશ્ય થયા કેમેરામાં કેદ
Himachal Pradesh Heavy Rain: હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે. સતત પડેલા મુશળધાર વરસાદના કારણે અનેક પુલ તૂટી ગયા છે. પહાડો પણ ધસી રહ્યા છે. હાઇવે ડૂબી ગયા છે. તેમજ કેટલાય શહેર સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદનો કહેર સતત વધી રહ્યો છે. ભારે વરસાદના કારણે હિમાચલની મોટી નદીઓ સહિત નાની-મોટી અન્ય નદીઓ પણ છલકાઈ ગઈ છે.
કુલ્લુ જિલ્લામાં વાદળાં ફાટતાં તબાહી સર્જાઈ છે. જેનો રૂંવાડાં ઊભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. કુલ્લુના મલાણા વિસ્તારમાં મોડી રાત સુધી ભારે વરસાદના કારણે પાર્વતી નદીનો પ્રવાહ વધી ગયો છે, જેના કારણે ઘણાં ઘર અને ગાડીઓ પાણીમાં તણાઈ ગયા છે. ચાર માળની ઇમારત માત્ર સાત સેકેન્ડમાં પાર્વતી નદીમાં તણાઈ જતી વીડિયોમાં જોવા મળી છે. કુલ્લુ જિલ્લામાં વ્યાસ અને પાર્વતી નદીઓ જોખમી માર્કથી ઉપર વહી રહી છે. મલાણા ગામમાં નિર્માણાધીન પાવર પ્રૉજેક્ટનો ડેમ પણ ઓવરફ્લો થયો છે.
રામપુરમાં 19 લોકો ગુમ
સૌથી વધુ નુકસાન નિરમંડ ઉપમંડળના બાગીપુલમાં થયું છે. અહીં કુર્પન ખાડીમાં પૂર આવતાં બાગીપુલમાં નવ મકાન તણાઈ ગયા છે. જેમાં એક મકાનમાં રહેતો આખો પરિવાર પૂરમાં તણાઈ ગયો છે. શિમલા જિલ્લાના રામપુરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તબાહીમાં 36 લોકો ગુમ છે. અહીં વાદળ ફાટ્યા છે. ગુમ થયેલા 19 લોકોની હજી સુધી કોઈ ભાળ મળી નથી. શિમલા ડેપ્યુટી કમિશ્નર અનુપમ કશ્યમે આ અંગે માહિતી આપી હતી. રાતના અંધારામાં સેંકડો લોકો પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા.
સરકારની અપીલ
સરકારે કુલ્લુ જિલ્લાના જિયા અને ભુંતર સહિત નદી તટ પર રહેતાં તમામ લોકોને પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે જતા રહેવા અપીલ કરી છે. તેમજ તીર્થન નદીમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી તમામને નદી-નાળાથી દૂર સુરક્ષિત સ્થળો પર રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ હિમાચલના મંડીમાં આભ ફાટ્યું, 10થી વધુ ગુમ, એકનું મોત, અનેક ઘર કાટમાળ બનીને વહી ગયા
આગામી 36 કલાક ભારે
હિમાચલ પ્રદેશમાં આગામી 36 કલાકમાં 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનું ઍલર્ટ જારી થયેલું છે. હવામાન વિભાગે બુલેટિન જાહેર કરી બિલાસપુર, ચંબા, હમીરપુર, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સિરમોર, સોલ અને ઉનામાં બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ઘણા ક્ષેત્રોમાં ભૂસ્ખલન અને અચાનક પૂરથી તારાજી સર્જાઈ શકે છે. જેથી સ્થાનિકો અને પર્યટકોને સાવચેતી સાથે સલામત સ્થળે રહેવા સલાહ આપવામાંં આવી છે.