કૂલ્લુમાં પણ આભ ફાટ્યાં બાદ ભયાનક ભૂસ્ખલન, આખો પરિવાર ગુમ, હાઇવે પર વાહનવ્યવહાર ઠપ
Kulloo Cloud burst | કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.
ઘણાં લોકો દટાયાની માહિતી
માહિતી અનુસાર આ મકાનમાં નેપાળના ચાર લોકો પણ રહેતા હતા તેમની પણ કોઈ ભાળ મળી રહી નથી. એવામાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં ઘણાં લોકો આ ભૂસ્ખલનની લપેટમાં આવ્યા હોય જેમને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બુદ્ધિ સિંહ ઠાકુરે કહ્યું કે બાગીપુલમાં ટોચ પર આભ ફાટતાં કૂર્પન ખડ્ડમાં પૂર આવ્યું હતું. જેની લપેટમાં અનેક દુકાનો, મકાનો અને હોટેલો આવી ગઇ હતી.
મલાણામાં ડેમમાં પૂર જેવી સ્થિતિ
આભ ફાટવાની સ્થિતિને કારણે કુલ્લુમાં આવેલા મલાણામાં ડેમમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાતે જ પાર્વતી, વ્યાસ સહિત અન્ય નદીઓમાં પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ હતી અને જળસ્તરમાં વધારો નોંધાયો હતો.