ક્ષત્રિયોની નારાજગી ભાજપને કેટલી ભારે પડી? યુપી-રાજસ્થાનમાં બેઠકો ઘટવા પાછળ આ છે કારણ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ભાજપ માટે ચોંકાવનારા સાબિત થયા છે. ભાજપે 240 બેઠકો જીતી છે, જ્યારે સૌથી મોટો ઝટકો ઉત્તર પ્રદેશથી લાગ્યો છે. અહીં પક્ષને માત્ર 33 બેઠક મળી છે. જેની સીધી અસર બહુમતીના આંકડા પર પડી છે. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે યુપીમાં 62 બેઠક જીતી હતી, પરંતુ આ વખતે આ 29 બેઠકો ભાજપના હાથમાંથી સરકી ગઈ છે. તો બીજી તરફ રાજસ્થાનમાં ભાજપે છેલ્લી બે ચૂંટણીમાં સતત ક્લીન સ્વીપ કર્યું હતું ત્યાં પણ ભાજપની બેઠકો ઘટાડો થયો છે. આ રાજ્યોમાં ભાજપને થયેલા નુકસાનને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. એવી પણ ચર્ચાઓ છે કે ક્ષત્રિય સમાજના અસંતોષને કારણે ભાજપની બેઠકમાં ઘટડો થયો છે. અયોધ્યાના પરિણામો દર્શાવે છે કે ક્ષત્રિય સમાજમાં મતભેદ પ્રબળ રહ્યા છે.
ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે મતભેદનું કારણ
ઉત્તર પ્રદેશના કરણી સેનાના અધ્યક્ષ રાકેશ સિંહ રઘુવંશીએ કહ્યું કે, સરકાર રામ મંદિર આંદોલનનો શ્રેય અન્ય સમુદાયોને કેવી રીતે આપી શકે. મંદિર માટે સૌથી વધુ લડાઈ કરનારા ક્ષત્રિયોને તે કેવી રીતે અવગણી શકે? રામ મંદિર ટ્રસ્ટમાં સમાજના એક નેતાને સ્થાન ન હોવાને કારણે સમાજનો પક્ષમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે.
રાકેશ સિંહ રઘુવંશીએ જણાવ્યું હતું કે, 'મહારાજા જયચંદ્ર ગહરવાર માટે કોઈ પણ તથ્ય વિના અપમાનજનક ટીપ્પણીનો ઉપયોગ કરીને ક્ષત્રિય સમાજનું અપમાન કરવું, રાજા માનસિંહ અને અન્ય ક્ષત્રિય રાજાઓ પર અપમાનજનક નિવેદન આપીને સમગ્ર સમાજની મજાક ઉડાવવી અને મંદિરોને બચાવવા અને ક્ષત્રિયોના યોગદાનને બદનામ કરવા અને કેટલાક રાજાઓને રાષ્ટ્રીય નાયક તરીકે પ્રોત્સાહન આપવાથી પણ સમાજમાં મતભેદ થયો.'
ક્ષત્રિય સમાજમાં અસંતોષ
ક્ષત્રિય સમાજમાં ભાજપ સામેના અસંતોષને કારણે આ લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. આ અસંતોષની આગ ઘણાં સમયથી સળગી રહી હતી અને છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ઘણાં વિવાદો દરમિયાન પક્ષ સામે સોશિયલ મીડિયાના ટ્રેન્ડ જોવા મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
રાજસ્થાનમાં ક્ષત્રિયો નિર્ણાયક
રાજસ્થાનમાં જે બેઠકોમાં કોંગ્રેસને વિજય મળ્યો છે તેમાં ક્ષત્રિય સમાજના મત નિર્ણાયક રહ્યા. દૌસા, ભરતપુર, કરૌલી- ધૌલપુર, ટોંક સવાઈ માધોપુરમાં ક્ષત્રિય સમાજની નારાજગીએ ભાજપને ફટકો આપ્યો હતો. 2023 વિધાનસભામાં ભાજપે ક્ષત્રિયને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું ન હતું. ટિકિટ ફાળવણીનો વિવાદ થયો હતો, પરંતુ ચૂંટણી વખતે વિવાદ જેમતેમ કરીને ઠારી દેવાયો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદનો અગ્નિ ફરી પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ભડકે બળ્યો હતો. રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનની અસર ભલે ગુજરાતમાં જણાઈ નહીં, પરંતુ રાજસ્થાનના ક્ષત્રિય સમાજમાં તેના ઘેરા પડઘાં પડ્યા હતા. તે સિવાય જાટ અને ક્ષત્રય સમાજ પર વસુંધરા રાજેનો પ્રભાવ છે.
યુપીમાં ભાજપને મોટું નુકસાન થયું
ભાજપને ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં આ ચૂંટણીમાં એનડીએની 62 બેઠક ઘટીને 33 થઈ ગઈ હતી અને સમાજવાદી પાર્ટીની બેઠક વધી હતી. 2014માં ભાજપે 21 ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી 19 જીત્યા હતા, આ ચૂંટણીમાં પક્ષેએ ક્ષત્રિય સમાજના માત્ર 10 ઉમેદવારોને ટિકિટ આપી હતી.
આ પણ વાંચો: ભાજપને ક્ષત્રિયોની નારાજગી ગુજરાત નહીં આ રાજ્યમાં ભારે પડી, નવ લોકસભા બેઠકો ગુમાવી