Janmashtami 2024: નંદ ઘેર આનંદ ભયો! શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરાથી લઇ દ્વારકા સુધીના મંદિરોમાં ભવ્ય ઉજવણી

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
Janmashtami 2024: નંદ ઘેર આનંદ ભયો! શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરાથી લઇ દ્વારકા સુધીના મંદિરોમાં ભવ્ય ઉજવણી 1 - image


Krishna Janmashtami: દેશભરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ વચ્ચે મંદિરો, રસ્તાઓ અને ચોકોમાં વિશેષ શણગાર જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના મથુરાથી લઈને ગુજરાતના દ્વારકા સુધીના મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. સવારે મંગળા આરતી સાથે કૃષ્ણ જન્મજયંતિના કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. મુખ્ય કૃષ્ણ મંદિરો ઉપરાંત અન્ય મંદિરોમાં પણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ નંદલાલાની જન્મજયંતિ નિમિત્તે સર્વત્ર આનંદ છવાયો હતો. 

આજે 27 ઓગસ્ટના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના કારણે જ કંસ, જરાસંધ, કલયવન જેવા રાક્ષસોનો વધ થયો હતો. પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. આમ ભગવાને અધર્મનો નાશ કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું કામ કર્યું હતું. 

મથુરામાં માનવ મહેરામણ

કૃષ્ણ જન્મજયંતિ પર તેમનું જન્મસ્થળ મથુરા કનૈયાના રંગે રંગાઈ ગયું છે. અહીં લગભગ 15 લાખ ભક્તો પધાર્યા છે. જન્મસ્થળને જેલની જેમ શણગારવામાં આવ્યુ છે. રાત્રે 11 વાગે શ્રી કૃષ્ણ જન્મસ્થળ ખાતે નંદલાલાને 1008 કમળના પુષ્પોથી પૂજન કરવામાં આવશે. ભગવાન કૃષ્ણની મૂર્તિને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવશે. જ્યાં ચાંદીથી બનેલી કામધેનુ ગાયથી અભિષેક કરવામાં આવશે. આ પછી મહંત નૃત્ય ગોપાલ દાસ લગભગ 5 ક્વિન્ટલ પંચામૃતથી અભિષેક કરશે. આ અભિષેક રાત્રે 12.40 સુધી ચાલુ રહેશે.

દ્વારકામાં દિવ્યતાના દર્શન

ગુજરાતના દ્વારકાધીશ મંદિરના દરવાજા સવારે 2.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. અહીં, વરસાદી માહોલ વચ્ચે દિવ્યતાના દર્શનાર્થે કૃષ્ણ ભક્તો ઉમટ્યા હતા. 

 તો મોડી સાંજે પટનાના ઇસ્કોન મંદિરની બહાર ભીડ કાબૂ બહાર ગઈ હતી. આ પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભક્તો કોઈપણ રીતે મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેના કારણે મંદિરની બહાર ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ મંદિર પાસે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

લખનૌની બજારોમાં ઉત્સવનો માહોલ 

ઉત્તરપ્રદેશના લખનૌના કેટલાક બજારમાં લોકો ખરીદીમાં વ્યસ્ત હતા તો કેટલાક ઘરે વાનગીઓ બનાવી રહ્યા હતા. જેમ જેમ રાત ગાઢ થતી ગઈ તેમ તેમ આસ્થાનો આનંદ વધુ વધતો ગયો. કેટલાક લોકોએ મંદિરોને ગુબ્બારાથી સજાવીને અને 56 ભોગ ચઢાવીને ભગવાનના જન્મની ઉજવણી કરી હતી, જ્યારે કેટલાક લોકોએ કેક કાપીને કૃષ્ણને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 


Google NewsGoogle News