કૃષ્ણ જન્મસ્થળનો દસ કિ.મી.નો વિસ્તાર તીર્થસ્થળ જાહેર
મથુરા-વૃંદાવન અંગે યોગી સરકારનો નિર્ણય
ઉત્તરપ્રદેશમાં તીર્થસ્થળોના વિકાસનું પૂરઝડપે કામ ચાલી રહ્યું છે
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે શુક્રવારે મથુરા વૃદાંવનમાં કૃષ્ણ જન્મસ્થળને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે કૃષ્ણ જન્મસ્થળના દસ કિલોમીટરના વિસ્તારના તીર્થસ્થળ જાહેર કરી દીધું છે. તેની અંદર 22 વોર્ડ-નિગમ આવે છે.
ગયા મહિને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મથુરામાં જન્માષ્ટમી મનાવી હતી. તેના પછી તીર્થસ્થળ જાહેર કરવાનો આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમી કાર્યક્રમમાં સામેલ થયેલા યોગી આદિત્યનાથે કૃષ્ણ જન્મસ્થળ પહોંચીને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા.
મથુરમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે પહેલા તહેવારમાં લોકોનું અભિવાદન ઝીલવા માટે વિધાનસભ્યો કે મુખ્યપ્રધાનો અહીં આવતા ન હતા, જે લોકો પહેલા મંદિરોમાં જતા ડરતા હતા તે હવે કહે છે કે રામ મારા છે, કૃષ્ણ મારા છે.
હાલમાં ઉત્તરપ્રદેશમાં તીર્થસ્થળોના વિકાસનું કામ ચાલી રહ્યું છે. તેમા અયોધ્યા, વારાણસી, મથુરા વગેરેમાં સગવડો પહેલા કરતાં પણ વધારે સારી થઈ રહી છે. અયોધ્યામાં દોઢ વર્ષ પહેલા ચુકાદો આવ્યા પછી રામ મંદિરનું નિર્માણકાર્ય ઝડપભેર થઈ રહ્યું છે. ૨૦૨૪ના વર્ષ પહેલા અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ પૂરું થઈ જશે તેમ મનાય છે.
વારાણસીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં એક કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પર કામ ચાલી રહ્યું છે. તે ઝડપથી પૂરું થાય તેવી આશા છે. કોરિડોર પૂરો થવાના લીધે મંદિર અને તેની આસપાસનો વિસ્તાર વધારે ભવ્ય થશે. ભક્તો કોઈપણ પ્રકારના અવરોધ વગર મંદિરમાં સરળતાથી જઈને દર્શન કરી શકશે.