કોટામાં વધુ એક વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું, છેલ્લા બે મહિનામાં 10મી અને વર્ષની 28મી ઘટના
2 દિવસ પહેલા જ બની હતી આપઘાતની ઘટના
Kota Suicide Case : રાજસ્થાનના કોટામાંથી ફરી એકવાર આપઘાતનો મામલો સામે આવ્યો છે. કોચિંગ હબ કોટામાં આજે સવારે એક વિદ્યાર્થીએ ફાંસી લગાવી જીવન ટુંકાવ્યું હતું. મૃતક વિદ્યાર્થી નિશા યુપીની રહેવાસી હતી જે કોટામાં રહીને નીટ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. હજુ 2 દિવસ પહેલા જ એક છાત્રાએ ફાંસી લગાવી હતી.
વિધાર્થીના પિતાએ કરી વાત
વિદ્યાર્થી નિશાના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરી ખૂબ જ હોશિયાર હતી અને તે તેમની મરજીથી કોટા ભણવા ગઈ હતી. ઘટના પહેલા વિદ્યાર્થિનીએ તેના પિતા સાથે ફોન પર વાત પણ કરી હતી. તેમના પિતાએ એમ પણ કહ્યું કે અભ્યાસ બાબત કે અન્ય કોઈ બાબતે ક્યારે કોઈ જાતનું પરિવારનું કોઈ દબાણ રહ્યું નહોતું. આવા સંજોગોમાં આ પ્રકાર પગલાથી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ થઇ છે.
2 દિવસ પહેલા જ બની હતી આપઘાતની ઘટના
હજુ કોટામાં બે દિવસ પહેલા જ ફોરિદ હુસૈન નામના વિદ્યાર્થીએ દાદાબાડી વિસ્તારમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થી ફરીદ હુસૈનના આત્મહત્યાના કેસમાં જિલ્લા વહીવટીતંત્રે સંબંધિત કોચિંગ સંસ્થાને નોટિસ મોકલીને 3 દિવસમાં જવાબ માંગ્યો છે. આવી સ્થિતિમાં કોચિંગના વિદ્યાર્થીઓની સતત આત્મહત્યાના કારણે જિલ્લા વહીવટી તંત્રની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠી રહ્યા છે.
આ વર્ષમાં આત્મહત્યાનો આ 28મો કિસ્સો
કોટામાં આ વર્ષનો આ 28મો આત્મહત્યાનો કિસ્સો છે. વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં છતાં વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકી રહી નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષોએ આત્મહત્યા નિયંત્રણને રાજકીય મુદ્દો બનાવ્યો હતો.