કોટામાં ફરી એક વિદ્યાર્થીનો આપઘાત, 2024ની પહેલી ઘટના, 2023નો આંકડો હતો ચોંકાવનારો
વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને પ્રાઈવેટ કોચિંગ દ્વારા એન્જિનિયરિંગની તૈયારી કરી રહ્યો હતો
Student Died In Kota : શિક્ષાની નગરી કહેવાતા કોટાથી આજે સવારે માઠા સમાચાર સામે આવ્યા છે. કોટામાં JEEની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીનેઆપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીની ઉંમર 17થી 18 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળેલા અહેવાલો મુજબ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાનો રહેવાસી હતો.
એન્જિનિયરિંગની તૈયારી કરી રહ્યો હતો વિદ્યાર્થી
આપઘાત કરનાર વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને પ્રાઈવેટ કોચિંગ દ્વારા એન્જિનિયરિંગની તૈયારી કરી રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 11:00 વાગ્યે માહિતી મળી હતી કે જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહીને એન્જિનિયરિંગની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢીને શબઘરમાં રાખી પરિવારને જાણ કરી હતી. પરિવારજનો આવ્યા બાદ વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જો કે આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
વર્ષ 2023માં 29 વિદ્યાર્થીઓએ કર્યો હતો આપઘાત
કોટાને કોચિંગ હબ ગણવામાં આવે છે. અહીં દર વર્ષે દેશભરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરવા આવે છે. કોટામાં વિદ્યાર્થીના આપઘાતનો આ 2024નો પહેલો મામલો છે. પરંતુ ગયા વર્ષે કોટામાં 29 વિદ્યાર્થીઓ આપઘાત કર્યો હતો. હવે આ આંકડો 30 થઇ ગયો છે, જે ચિંતાનો વિષય છે.