ન્યાય આપવાના બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ શરમજનક, કોલકાત્તા બળાત્કાર કેસ અંગે રાહુલ ગાંધી
Image: IANS |
Kolkata doctor Rape Case: કોલકાત્તાના આરજી કાર હૉસ્પિટલમાં થયેલા બળાત્કાર કેસ પર લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ પ્રકારની ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. જેના કારણે ડૉક્ટર્સ કોમ્યુનિટી અને મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. આ મામલે જોડાયેલા આરોપીઓને બચાવવાના પ્રયાસે હૉસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
રાહુલ ગાંધીએ બળાત્કાર કેસ મામલે છ દિવસ બાદ નિવેદન આપ્યું છે. પ્રિયંકા વાડ્રા આ મામલે દુ:ખ વ્યક્ત કરી ચૂકી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, “કોલકાત્તામાં જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર અને ક્રૂર હત્યાથી આખો દેશ સ્તબ્ધ છે. ટ્રેની ડૉક્ટર સાથે થયેલા આ ક્રૂર અને અમાનવીય કૃત્યની એક પછી એક પરત જેમ જેમ ખૂલી રહી છે, તેનાથી ડૉક્ટર્સ કોમ્યુનિટી અને મહિલાઓમાં અસુરક્ષાનો માહોલ સર્જાયો છે.”
આરોપીને બચાવવાનો પ્રયાસ ગંભીર બાબતઃ રાહુલ
સ્થાનિક વહીવટીતંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પીડિતાને ન્યાય આપવાને બદલે હૉસ્પિટલ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આરોપીને બચાવવાના પ્રયાસ ગંભીર સવાલો ઊભા કરે છે. આ ઘટનાએ આપણને સૌને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે મેડિકલ કૉલેજ જેવી જગ્યાએ ડૉકટરો સલામત નથી તો માતા-પિતાએ પોતાની દીકરીઓને ભણાવવા કયા આધાર પર વિશ્વાસ કરવો? નિર્ભયા કેસ પછી બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે?
હું પીડિતાના પરિવાર સાથે છું : રાહુલ ગાંધી
દેશમાં બળાત્કારના વધતાં જતાં મામલા પર નિરાશા વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે હાથરસથી ઉન્નાવ સુધી અને કઠુઆથી કોલકાત્તા સુધી દરેક પક્ષ અને દરેક વર્ગે મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર ગંભીરતાથી ચર્ચા કરવી પડશે અને નક્કર પગલાં લેવા પડશે. “હું આ અસહ્ય દુઃખમાં પીડિતાના પરિવારની સાથે ઊભો છું. તેમને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં ઉદાહરણ તરીકે સ્થાપિત થાય.”
રાહુલ ગાંધી પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ 12 ઑગસ્ટે ટ્વિટ કરીને આ મામલામાં પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે X પર કહ્યું, “કોલકત્તાની આરજી કાર મેડિકલ કૉલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના હૃદયદ્રાવક છે. "કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા દેશમાં એક મોટો મુદ્દો છે અને તેના માટે સંયુક્ત પ્રયાસોની જરૂર છે." હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે આ મામલે ઝડપી અને કડક પગલાં લેવામાં આવે અને પીડિતાના પરિવાર અને સાથી ડૉક્ટરોને ન્યાય મળવો જોઈએ.