Get The App

કોલકાતા આરજી કર મેડિકલ કૉલેજ દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી સંજય રોયને આજીવન કેદની સજા

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
કોલકાતા આરજી કર મેડિકલ કૉલેજ દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી સંજય રોયને આજીવન કેદની સજા 1 - image


Kolkata R G Kar Case | કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એટલે કે મૃત્યુ ન પામે ત્યાં સુધી કારાવાસની સજા ફટકારવામાં આવી છે. 19 જાન્યુઆરીએ કોર્ટે તેને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે પીડિતાના પરિવાર માટે વળતરનો પણ આદેશ કર્યો છે. પરંતુ પીડિતાના માતા-પિતાએ અગાઉની જેમ વળતર લેવાનો ઇન્કાર કર્યો છે.

કોર્ટે રેરેસ્ટ ઓફ ધે રેર કેસ નથી ગણ્યો

સીબીઆઇના વકીલે આ કેસને રેરેસ્ટ ઑફ ધ રેર કેસ ગણાવી આરોપીને ફાંસીની સજાની માગ કરી હતી. જેનો આરોપીના વકીલે ભારે વિરોધ કર્યો હતો. તમામ આખરી દલીલો બાદ જજ અન્રિમાન દાસને આ કેસ રેરેસ્ટ ઑફ ધ રેર કેસ ન હોવાનું લાગતા આરોપીને ફાંસીની સજા ફટકારી નથી. સીબીઆઇએ કોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા, આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજે મહત્ત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા. જજે પીડિતાના પરિવારને આ મામલે કોઈ વળતર જોઈતું ન હોવાનું જણાવ્યું હતું.  

સંજયે આરોપોને ફગાવ્યા

સજા સંભાળતા પહેલાં જજે સંજયને પૂછ્યું હતું કે, 'તારા ઉપર દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો સાબિત થઈ ચૂક્યા છે. સંભવિત સજા વિશે શું કહેશો ?' જેના પર સંજયે કહ્યું હતું કે, 'મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હું હંમેશા રૂદ્રાક્ષની માળા પહેરુ છું. જો મેં ગુનો કર્યો હોત તો ક્રાઇમ સીન પર જ મારી માળા તૂટી ગઈ હોત. મને બોલવા જ દીધો નથી. અનેક વખત કાગળો પર દબાણપૂર્વક હસ્તાક્ષરો કરાવી લેવામાં આવ્યા છે.'

પીડિતાના પરિવારે આકરી સજા આપવાની કરી હતી માંગ

પીડિતાના પરિવારે આરોપી સંજય રોયને આકરામાં આકરી સજા આપવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં અગાઉ કહ્યું હતું કે, 'ફાંસીના બદલે વૈકલ્પિક સજા આપવા વિચારણા કરી શકે છે.' 

કોલકાતા આરજી કર મેડિકલ કૉલેજ દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી સંજય રોયને આજીવન કેદની સજા 2 - image


Google NewsGoogle News