પ.બંગાળમાં ED બાદ હવે NIAની ટીમ પર હુમલો, કારમાં તોડફોડ કરાઈ, બે અધિકારી ઈજાગ્રસ્ત
NIA team attacked in Bengal : પ.બંગાળમાં સંદેશખાલીમાં ઈડીની ટીમને નિશાન બનાવાયા બાદ હવે પૂર્વ મેદિનીપુરમાં ભૂપતિનગર ખાતે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએની ટીમ પર જોરદાર હુમલો કરાયાના અહેવાલ સામે આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર એનઆઈએની ટીમ શનિવારે તપાસ માટે અહીં પહોંચી હતી. ત્યારે જ તપાસકારોની ટીમના કાફલાની કાર સાથે તોડફોડ કરાયાનો આરોપ લાગ્યો છે.
એનઆઈએએ કર્યો મોટો દાવો
એનઆઈએએ દાવો કર્યો છે કે બે વ્યક્તિને પૂછપરછ માટે લઇ જતી વખતે જ તેમની ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. એનઆઈએની ટીમ વિસ્તારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે ભૂપતિનગર પહોંચ્યા હતા. જ્યારે ટીમના અધિકારીઓ બે લોકોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગામના લોકોએ એનઆઈએની ગાડીને ઘેરી લેતાં બંનેને મુક્ત કરવાની માગ કરી અને પછી તોડફોડ મચાવતા હુમલો કરી દીધો. આ હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાની માહિતી મળી રહી છે.