ગુજરાતના સ્ટાર ક્રિકેટરને બંગાળના મેદાનમાં ઉતારી 'દીદી' ફસાયા: TMCના જ ધારાસભ્યએ આપી ધમકી
TMCએ 42 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં આંતરીક વિખવાદ શરૂ
બહરામપુર લોકસભા બેઠક પરથી યૂસુફ પઠાણને ટિકિટ આપતા પાર્ટીના ઘણા નેતાઓ નારાજ
Lok Sabha Elections 2024 : પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે રાજ્યની તમામ 42 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં આંતરીક વિખવાદ શરૂ થઈ ગયો છે. પાર્ટીના ઘણા નેતાઓઓ ટિકિટ વહેંચણીથી નારાજ થઈ બળવા પર ઉતરી આવ્યા છે.
ટીએમસીએ યૂસુફને ટિકિટ આપતા પાર્ટીમાં બળવાખોરી શરૂ
ક્રિકેટર યૂસુફ પઠાણ (Yusuf Pathan)ને ટિકિટ આપ્યા બાદ TMCમાં ભારે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. યૂસુફને ટિકિટ આપવા મુદ્દે બેરકપુરના સાંસદ અર્જુન સિંહે વાંધો ઉઠાવ્યા બાદ હવે ભરતપુરના ટીએમસી ધારાસભ્ય હુમાયૂં કબીર પણ ભડકી ઉઠ્યા છે. બહરામપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના પાંચ વખતના સાંસદ અધીર રંજન ચૌધરી વિરુદ્ધ ટીએમસીએ યૂસુફ પઠાણને મેદાનમાં ઉતારતા કબીરે બળવાખોરી વલણ અપનાવી પાર્ટીને ધમકી આપી છે.
હવે જુઓ, હું શું કરું છું : TMC ધારાસભ્યની ધમકી
હુમાયૂં કબીરે કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી ઉમેદવાર લાવશો તો પણ અધીર રંજનને હરાવી શકાશે નહીં. કબીરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેમણે ટીએમસી પર આક્ષેપ કર્યો છે કે, ‘તૃણમૂલે જિલ્લાના નેતૃત્વ સાથે ચર્ચા કર્યા વગર યૂસુફ પઠાણના નામની જાહેરાત કરી દીધી. બહરામ પુરથી યૂસુફને ચૂંટણી મેદાનમાં ઉતારવા અંગે પાર્ટી જિલ્લા નેતૃત્વને અગાઉથી જાણ કરી શકતી હતી. હું તેમનો અસ્વિકાર કરું છું. ચૂંટણીની તારીખો જાહેર થવા, પછી જુઓ, હું આગળ શું કાર્યવાહી કરું છું. હું તેમના વિરુદ્ધ મતદાન સુનિશ્ચિત કરીશ.’