'બાંગ્લાદેશથી આવતા લોકોની નહીં કરીએ સારવાર', કોલકાતાની હોસ્પિટલનો નિર્ણય
Kolkata Hospital Bans Bangladeshi Patients : બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થતા અત્યાચાર અને ઈસ્કોનના પૂર્વ વડા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં કોલકાતાની એક હોસ્પિટલે મોટી જાહેરાત કરી છે. હકિકતમાં, કોલકાતામાં માણિકતલ્લામાં સ્થિત જેએન રોય હોસ્પિટલે અનિશ્ચિત સમય માટે બાંગ્લાદેશી નાગરિકોની સારવાર બંધ કરી દીધી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને ભારતના અનાદર બદલ આ નિર્ણય લેવાયો છે.
સારવાર ન કરવી એ યોગ્ય નિર્ણય નથીઃ બંગાળના મંત્રી
હોસ્પિટલના આ નિર્ણયનો બંગાળના શહેરી વિકાસ મંત્રી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે વિરોધ કર્યો છે. ફિરહાદે કહ્યું કે, 'અમે પણ બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓનો વિરોધ કરીએ છીએ, પરંતુ બાંગ્લાદેશથી આવતા બીમાર લોકોની સારવાર ન કરવી તે યોગ્ય નથી. ડૉક્ટરોની ફરજ દર્દીઓની સારવાર કરવાની છે.'
કોઇ પણ બાંગ્લાદેશીને સારવાર નહીં આપીએ
હોસ્પિટલની આ જાહેરાત અંગે એક ડૉક્ટરે જણાવ્યું કે, 'બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર થઇ રહ્યો છે અને ત્યાંની સરકાર તેમના રક્ષણ માટે કોઇ પગલા લઇ રહી નથી. તેઓ હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાને બદલે ચિન્મય કૃષ્ણ દાસ જેવા હિન્દુ સંતની ધરપકડ કરી રહ્યા છે. તેઓ આપણા દેશ પ્રત્યે સતત અનાદર દર્શાવી રહ્યા છે. તેના વિરોધમાં અમે હવેથી કોઈ પણ બાંગ્લાદેશી નાગરિકને સારવાર આપીશું નહીં.'
મોહમ્મદ યુનુસનો નોબલ પુરસ્કાર છીનવી લેવા માંગ
બંગાળના ભાજપ સાંસદ અને કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પાસેથી નોબલ પુરસ્કાર છીનવી લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, 'મોહમ્મદ યુનુસને શાંતિ માટે નોબેલ મળ્યું હતું. તેમની સરકાર બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિને રોકવા માટે કંઈ કરી રહી નથી. આ જોતાં નોબલ કમિટીએ તેમની પાસેથી નોબલ છીનવી લેવું જોઈએ.'