પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર EDની કાર્યવાહી, મમતા સરકારના બે ધારાસભ્યોના ઠેકાણે દરોડા
થોડા દિવસો પહેલા જ ઈડી અધિકારીઓ પર દરોડા દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો
ED Raid in Bengal : પશ્ચિમ બંગાળમાં આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી કરી છે જેમાં તૃણમુલ કોંગ્રેસ (TMC) નેતા સુજીત બોસ (Sujit bose)ની સાથે ધારાસભ્ય તાપસ રૉયના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રેશન કૌભાંડ મામલે દરોડા દરમિયાન ઈડીના અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કેટલાક અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેના બાદ રાજકારણ ગરમાયું હતું.
ઈડીએ વહેલી સવારથી દરોડા પાડ્યા છે
આજે ઈડીએ કથિત મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કૌભાંડ મામલામાં પશ્ચિમ બંગાળ (West-bengal)માં કોલકાતામાં નેતાઓના ઘરે વહેલી સવારથી જ દરોડા પાડ્યા છે જે હજુ પણ ચાલુ છે. હજુ થોડા દિવસો પહેલા જ રેશન કૌંભાડ મામલે જ્યારે ઈડીના અધિકારીઓ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા જઈ રહ્યા હતા ત્યારે શાહજહાંના સમર્થકો દ્વારા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલામાં કેટલાક અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મમતા સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો.
ઈડીએ ફરિયાદ નોંધાવી હતી
અધિકારીઓ પર થયેલા હુમલા બાદ ઈડીએ પશ્ચિમ બંગાળમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને તેમા કહેવામાં આવ્યું હતું કે હુમલાવરો અધિકારીઓને મારવાનો ઈરાદો ધરાવતા હતા, આ ઉપરાંત ઈડીએ પોતાની ચાર્જશીટમાં પણ જણાવ્યું હતું કે હુમલાવરો લાકડીઓ, પથ્થરો તેમજ ઈંટોથી સજ્જ હતા અને અધિકારીઓના મોબાઈલ, લેપટોપ, તેમજ રોકડ પણ છીનવીને લઈ ગયા હતા.