મમતા બેનરજીએ રાજીનામાની ઓફર કરતા હડતાળિયા ડૉક્ટરો ભડક્યા, CM પર કર્યા ગંભીર આક્ષેપ
Kolkata Doctor Protest: કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં આંદોલન કરી રહેલા ડૉક્ટરોની હડતાળ મુદ્દે ગુરુવારે (12 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી મમતા બેનરજીએ બોલાયેલી બેઠકમાં ડોક્ટરો હાજર રહ્યા નહોતા. ત્યારે મમતા બેનરજીએ તેમાં રાજકીય ક્નેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેઓ રાજીનામું આપવા તૈયાર થયા છે. જો કે, વિરોધ કરી રહેલા ડોક્ટરોએ આ અંગે કહ્યું કે અમે ક્યારેય મમતા બેનરજીનું રાજીનામું માંગ્યું જ નથી. ઉપરાંત તેમણે બેઠક ન થવા બદલ પશ્ચિમ બંગાળ સરકારને જ જવાબદાર ગણાવી છે.
અમે રાજીનામું નથી માંગ્યું: ડોક્ટર્સ
મીડિયા અહેવાલ મુજબ, પ્રદર્શનકારી ડોકટરોએ પશ્ચિમ બંગાળ સરકારને મીટિંગનું લાઈવ ટેલિકાસ્ટ ન કરવા દેવાની કઠોરતા માટે જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે, 'અમે ક્યારેય કોલકાતા બળાત્કાર-હત્યા કેસ પર સીએમ મમતા બેનરજી પાસેથી રાજીનામું માંગ્યું નથી. મમતા બેનરજી તેમની ટિપ્પણીઓ દ્વારા આરજી કર મુદ્દે ડોક્ટરોને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.'
અમે ઈચ્છતા હતા કે વાતચીત થાય
મીડિયા સાથે વાત કરતા એક પ્રદર્શનકારી ડોક્ટરે કહ્યું કે, 'મુખ્યમંત્રીની ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. અમે ઈચ્છતા હતા કે વાતચીત થાય, પરંતુ મમતા સરકાર મીટિંગના લાઈવ ટેલિકાસ્ટને મંજૂરી ન આપવા પર અડગ હતી. અમારી માગણીઓ કાયદેસર છે તેથી અમે પારદર્શિતા માટે મીટિંગનું લાઇવ સ્ટ્રીમિંગ ઇચ્છીએ છીએ.'
મમતા બેનરજીએ બે કલાક સુધી રાહ જોઇ
નોંધનીય છે કે, સીએમ મમતા બેનરજી ગુરુવારે (12 સપ્ટેમ્બર) વિરોધ કરી રહેલા ડોક્ટરો સાથે વાતચીત કરવા માટે બે કલાકથી વધુ સમય સુધી હડતાળ પર ઉતરેલા તબીબોની રાહ જોઈ હતી. જો કે, ડોક્ટરોનું પ્રતિનિધિમંડળ ન આવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, 'હવે પછીની બેઠક મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે જ યોજાશે.'
ડોક્ટરો સાથે બેઠક કરવાનો મમતા સરકારનો પ્રયાસ નિષ્ફળ
આંદોલનકારી જૂનિયર ડૉક્ટરો અને બંગાળ સરકાર વચ્ચે ઘણા દિવસોથી વિવાદ અને વાટાઘાટો ચાલી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજી ડોક્ટરોની હડતાળ ખતમ કરવા ઘણા દિવસોથી પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી બેઠક કરવા પ્રસ્તાવ પણ મોકલી રહ્યા છે. જો કે, જુનિયર ડોકટરોએ મીટિંગનું લાઈવ સ્ટ્રીમિંગ ન કરવા બાબતે મમતા સરકાર સાથે વાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.