કોલકાત્તા દુષ્કર્મ કાંડ: CM મમતા બેનર્જીની મુશ્કેલી વધી, પાર્ટી અને પરિવારમાં વિખવાદ, જાણો કારણ
Kolkata Doctor Rape and Murder Case : પશ્ચિમ બંગાળના કોલકાત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા ટ્રેઇની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee)ની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કેસમાં એક તરફ તેઓ વિપક્ષના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે, તો બીજીતરફ પરિવારના સભ્ય, કોર્ટ અને અનેક સામાજિક સમૂહો પણ તેમની ટીકા કરી રહ્યા છે. આ ભયાનક અને શરમજનક ઘટનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ ઘટનાના કારણે ટીએમસી સરકાર અને પશ્ચિમ બંગાળ પોલીસ પણ સાણસામાં આવી ગઈ છે.
કાકી-ભત્રીજાના ખટપટથી TMC નેતાઓમાં તડા
આ ભયાનક કાંડના કારણે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મમતા સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી છે. તો બીજીતરફ મુખ્યમંત્રી પોતાની પાર્ટીમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આ કેસ હાથમાં લીધા બાદ ટીએમસીના સાંસદ અને મુખ્યમંત્રીના ભત્રીજા અભિષેક બેનર્જી(Abhishek Banerjee) પણ નારાજ થયા છે. કાકી અને ભત્રીજા વચ્ચે ખટપટના કારણે પાર્ટી નેતાઓ પણ બે ભાગમાં વહેંચાઈ ગયાના અહેવાલો સામે આવ્યા છે.
મમતાએ અભિષેકની ટીમને સાઇડલાઇન કરી
સ્થિતિ એવી છે કે, મમતા બેનર્જી આ કેસમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે, તેમ છતાં અભિષેક બેનર્જી ચૂપ બેઠા છે. એવી પણ ચર્ચા છે કે, મમતાએ આ કેસમાં મીડિયા મેનેજમેન્ટ સંભાળતી અભિષેકની ટીમને પણ સાઇડલાઇન કરી દીધી છે. હાલ મુખ્યમંત્રીની ટીમ જ આખા કેસ પર નજર રાખી રહી છે.
કાકી-ભત્રીજા વચ્ચે વિવાદ કેમ થયો?
મીડિયા અહેવાલો મુજબ પૂર્વ પ્રિન્સિપાલની ટ્રાન્સફરના કારણે મમતા અને અભિષેક વચ્ચે મતભેદ શરુ થયો છે. કોલકાત્તા દુષ્કર્મ-હત્યા કેસમાં લોકો ગુસ્સે થયા હતા, ત્યારે સરકારે પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા બાદ તુરંત કોલકાત્તાની જાણીતી નેશનલ મેડિકલ કૉલેજમાં નિમણૂક આપી દીધી હતી. પછી કોર્ટના આદેશ બાદ તેમને લાંબી રજાઓ પર મોકલી દીધા હતા.
ટીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ, અભિષેક ઘોષ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના પક્ષમાં હતા, પરંતુ મુખ્યમંત્રીના ડૉક્ટર લૉબી સાથે સારા સંબંધો હોવાથી ઘોષ બચી ગયા હતા. આવું થયા બાદ અભિષેક પોતે આ વિવાદથી દૂર થયા. તેમનું માનવું હતું કે, પાર્ટીની છબી સુધારવા માટે કડક નિર્ણય લેવો જરૂરી છે. જ્યારે ડૉક્ટરોના દેખાવો વખતે હૉસ્પિટલમાં તોડફોડ થઈ ત્યારે અભિષેકે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે પોલીસ કમિશ્નરને ફોન કરીને તુરંત કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો, જે મમતાને પસંદ આવ્યો ન હતો.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન, PDP પણ જોડાવાની ચર્ચા
ટીએમસીના પ્રવક્તાએ મમતા સરકાર સામે ઉઠાવ્યા સવાલ
કોલકાત્તા કાંડ બાદ મુખ્યમંત્રીએ વિરોધમાં પદયાત્રા પણ યોજી હતી, તેમાં પણ અભિષેક જોવા મળ્યા ન હતા. ત્યારબાદ અભિષેકના નજીકના સાથી શાંતુનુ સેને (Santanu Sen) મમતા સરકારને મુશ્કેલીમાં મૂકી હતી, સેને મહિલાઓની સુરક્ષા પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું આર જી કરનો પૂર્વ વિદ્યાર્થી રહેલો છું અને મારી પુત્રી પણ ત્યાં અભ્યાસ કરે છે, જો કે હું મૂંઝવણમાં છું કે, મારી પુત્રીને આર જી કરમાં નાઇટ ડ્યુટીમાં મોકલું કે નહીં. એવું કહેવાય છે કે, સેને અભિષેકના ઇશારે ટિપ્પણી કરી છે. સેનના નિવેદન બાદ મમતાએ તેમને પ્રવક્તા પદેથી હટાવી દીધા છે.