કોલકાતા દુષ્કર્મ કેસઃ સુપ્રીમ કોર્ટે રચી નેશનલ ટાસ્ક ફોર્સ, પૂછ્યું- 7000 લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ શું કરતી હતી?

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Kolkata Rape Murder Case


Kolkata Rape Murder Case : કોલકાતાની આર. જી. મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં CBI દ્વારા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ કરવામાં આવશે. એક તરફ CBIની તપાસ ચાલી રહી છે ત્યાં આજે સુપ્રીમ કોર્ટમાં મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. 

પીડિતાની ઓળખ જાહેર થવા મામલે SC નારાજ 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પીડિતાની ઓળખ ઉજાગર થવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી. CJIએ કહ્યું કે, 'અમે જોયું કે પીડિતાની ઓળખ જાહેર કરવામાં આવી રહી છે. આવું ન થવું જોઈએ.' 

સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી 

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું હતું, કે 'સ્વાસ્થ્ય કર્મીઓમાં મહિલા તબીબ સૌથી મહત્ત્વપૂર્ણ છે. યુવા ડૉક્ટર 36 કલાક કામ કરી રહ્યા છે. સુરક્ષા આપવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસિત કરવાની જરૂર છે. જો મહિલાઓ કામ કરવા નહીં જઈ શકે તો આપણે તેમને સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ.' 

પોલીસ શું કરી રહી હતી: સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, કે 'પ્રિન્સિપાલે આ કેસને આપઘાત બતાવવાનો પ્રયાસ કર્યો? અને તેને બીજી જગ્યાએ પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવ્યો? FIR કરવામાં પણ વિલંબ થયો. સાત હજાર લોકો હોસ્પિટલમાં ઘૂસી ગયા તો પોલીસ શું કરી રહી હતી?' પશ્ચિમ બંગાળ તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું, કે 'તપાસ બાદ તરત જ FIR નોંધવામાં આવી હતી.' 

CBIને રિપોર્ટ જમા કરાવવા આદેશ 

નોંધનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે CBIને સ્ટેટસ રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે. CBIએ ગુરુવાર સુધીમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવાનો રહેશે. જેમાં અત્યાર સુધી કેટલા પગલાં લેવામાં આવ્યા તેની જાણકારી CBIએ આપવાની રહેશે. 

નેશનલ ટાસ્ક ફોર્સનું ગઠન 

CJIએ નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરતાં કહ્યું હતું, કે 'આ રાષ્ટ્રહિતનો મામલો છે, અમારા પર ભરોસો કરો, અમે સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી રહ્યા છીએ. જે તબીબો હડતાળ કરી રહ્યા છે તે સમજે કે હેલ્થ કેર સિસ્ટમ તમારા પર નિર્ભર છે.'

નોંધનીય છે કે કોર્ટે તબીબોને કામ પર પરત ફરવા પણ આગ્રહ કર્યો છે. 



Google NewsGoogle News