કોલકાત્તા દુષ્કર્મ કેસ: RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સહિત ચાર ડૉક્ટરોનો કરાશે પૉલીગ્રાફી ટેસ્ટ, કોર્ટે CBIને આપી મંજૂરી
Kolkata Doctor Rape and Murder Case : કોલકાત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજ (RG Kar Medical College And Hospital)માં મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કરવાના કેસમાં કોર્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કોર્ટે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઇને મેડિકલ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, એક સિવિક વૉલેન્ટિયર અને ચાર જૂનિયર ડૉક્ટરોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવા મંજૂરી આપી છે.
આરોપીનો ગોળગોળ જવાબ, છેવટે CBIએ કોર્ટમાં અરજી કરવી પડી
વાસ્તવમાં સીબીઆઇની ટીમ આ ભયાનક અને શરમજનક કેસમાં સંદીપ ઘોષ(Ex Principal Sandeep Ghosh)ની સતત પૂછપરછ કરી રહી છે. પરંતુ તેણે સંતોષકારક જવાબ ન આપતાં છેવટે સીબીઆઇએ આજે કોલકાત્તાની સિયાલદહ કોર્ટ(Sealdah Court)માં અરજી કરવી પડી હતી. ત્યારબાદ કોર્ટે ઘોષ અને અન્ય પાંચની પૉલીગ્રાફ તપાસ કરવા મંજૂરી આપી છે.
સીબીઆઇએ ઘોષના ડ્રાઇવરની પણ પૂછપરછ કરી
સીબીઆઇની ટીમ શુક્રવારથી સંદીપ ઘોષની સતત પૂછપરછ કરી રહી છે. ટીમે બુધવારે રાત્રે ઘોષની કારની પણ તપાસ કરી હતી. આ ઉપરાંત તેના ડ્રાઇવરની પણ પૂછપરછ કરાઈ હતી. તેણે આરોગ્ય વિભાગના વાહનનો ઉપયોગ કર્યો હતો.
ઘોષ સામે ઘણી ફરિયાદો
મેડિકલ કૉલેજના સેમિનાર હોલમાંથી મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યા બાદ સંદીપ ઘોષની શંકાસ્પદ ભૂમિકાની ઘણી ફરિયાદો સામે આવી હતી. આ કાંડમાં હૉસ્પિટલના જુનિયર ડૉક્ટરો (Junior Doctor) ન્યાયની માંગણી કરી રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેઓ શરુઆતથી જ ઘોષના રાજીનામાની માંગ કરતા રહ્યા હતા. જો કે આંદોલન ઉગ્ર બનતા ઘોષે જાતે જ રાજીનામું આપી દીધું હતું. જો કે તે દિવસે તેની અન્ય હૉસ્પિટલના નિર્દેશક તરીકે નિમણૂક કરાઈ હતી અને આ મામલે પણ ભારે હોબાળો થયો હતો.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન, PDP પણ જોડાવાની ચર્ચા
ચાર જૂનિયર ડૉક્ટરોનો પણ પૉલીગ્રાફ ટેસ્ટ
ઉલ્લેખનીય છે કે, ઘોષની અન્ય હૉસ્પિટલમાં નિમણૂક કર્યા બાદ કોલકાત્તા હાઇકોર્ટે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. પછી ઘોષને લાંબી રજાઓ પર મોકલી દેવાયો હતો. ત્યારબાદ આંદોલન ઉગ્ર બન્યા બાદ ઘોષને ડાયરેક્ટર પદેથી હટાવી દેવામાં આવ્યો છે. ગભરાયેલા ઘોષે સુરક્ષાની માંગણી સાથે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. બુધવારે આ કેસની સુનાવણી થઈ હતી. સંદીપ ઘોષના ઘરની સામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાઇકોર્ટે રાજ્યને જરૂરી સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ થઈ છે, જેમાં તેનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાશે. આ ઉપરાંત ચાર જુનિયર તબીબોનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાશે.