કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ જ્યાં બન્યો એ 138 વર્ષ જૂની આર.જી. કર હોસ્પિટલનો રસપ્રદ ઈતિહાસ
Kolkata Doctor Rape and Murder Case : નવમી ઓગસ્ટ 2024ના રોજ કોલકાતાની ‘આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ’ના પરિસરમાં એક તાલીમાર્થી ડૉક્ટર પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરીને એની હત્યા કરી દેવાઈ હતી. બનાવને પરિણામે આખા દેશમાં હડકંપ મચી ગયો હતો. અમાનવીય અપરાધની સાક્ષી બનેલ હોસ્પિટલનો ઈતિહાસ જાણવા જેવો છે.
138 વર્ષ અગાઉ સ્થપાઈ હતી હોસ્પિટલ
ઈ.સ. 1886માં ડૉ. રાધા ગોવિંદા કર (આર.જી. કર) દ્વારા સ્થપાયેલી આ હોસ્પિટલ હંમેશથી કોલકાતાની આરોગ્યસંભાળ પ્રણાલીનો પાયાનો પથ્થર ગણાતી રહી છે. એશિયાની પ્રથમ બિન-સરકારી મેડિકલ કોલેજ હોવાનો રેકોર્ડ ધરાવતી આ સંસ્થાને સૌપ્રથમ તો ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવી હતી.
કોણ હતા ડૉ. રાધા ગોવિંદ કર?
ડૉ. રાધા ગોવિંદ કરનો જન્મ 1852માં બંગાળમાં થયો હતો. એમને નાનપણથી જ દવાઓમાં ઊંડો રસ હતો. એમણે ‘બંગાળ મેડિકલ કોલેજ’માં અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં એ એશિયાની સૌથી જૂની મેડિકલ કોલેજ હતી. પાછળથી એ ‘કલકત્તા મેડિકલ કોલેજ’ તરીકે જાણીતી થઈ. સ્નાતક થયા બાદ વધુ અભ્યાસ માટે ડૉ. કર ઈંગ્લેન્ડ ગયા હતા અને 1886માં મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી સાથે ભારત પરત ફર્યા હતા.
રોગગ્રસ્ત મહાનગરની કથળેલી સ્થિતિ બની નિમિત્ત
ભારત પાછા ફર્યા પછી ડૉ. કરને સમજાયું કે કોલકાતા(તત્કાલિન ‘કલકત્તા’)માં વસ્તીના પ્રમાણમાં હોસ્પિટલોની સંખ્યા પૂરતી નહોતી. શહેરમાં અવારનવાર કોલેરા અને પ્લેગ જેવી મહામારી ફાટી નીકળતી હતી અને હજારો લોકો માર્યા જતા હતા. એ કારણસર ડૉ. કરને નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવાનો વિચાર આવ્યો અને એમણે એ જ વર્ષે બેઠકખાના બજાર રોડ પર ભાડાના મકાનમાં ‘કલકત્તા સ્કૂલ ઓફ મેડિસિન’ નામે મેડિકલ કોલેજ શરૂ કરી હતી. એમાં ત્રણ વર્ષનો તબીબી અભ્યાસક્રમ ચાલતો અને અભ્યાસની ભાષા બંગાળી હતી.
બદલાતાં રહ્યા હોસ્પિટલના નામ અને ઠામ
સ્થાપના પછી કૉલેજ ઝડપથી લોકપ્રિય બની ગઈ. ટૂંક સમયમાં કોલેજનો વિસ્તાર નાનો લાગવા લાગતાં કોલેજને બોવબજાર વિસ્તારમાં મોટા મકાનમાં ખસેડવામાં આવી. એ પછી એના કરતાંય મોટા મકાનની જરૂરત ઊભી થતાં 1898માં બેલગાચિયા વિસ્તારમાં કોલેજની ઇમારત બનાવવા માટે 12,000 રૂપિયામાં ચાર એકર જમીન ખરીદવામાં આવી. ચાર વર્ષમાં મકાન તૈયાર થયું. 1902માં તત્કાલિન ગવર્નર લોર્ડ વુડબર્ને 30 બેડની, એક માળ ધરાવતી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું.
એ પછી હોસ્પિટલના વધુ બે માળનું નિર્માણ કરવામાં આવ્યું. 1904માં ‘કલકત્તા સ્કૂલ ઑફ મેડિસિન’ને 1895માં સ્થપાયેલી ‘કૉલેજ ઑફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઑફ બંગાળ’ સાથે મર્જ કરવામાં આવી. 1916માં સંસ્થાનું નામ બદલીને ‘બેલગાચિયા મેડિકલ કોલેજ’ કરવામાં આવ્યું.
છેવટે નામ મળ્યું સ્થાપકનું
સંસ્થા સતત વિકસતી ગઈ. સર્જિકલ, એનેટોમી, મેટરનિટી, કાર્ડિયોલોજી જેવા નવા-નવા વિભાગો માટે નવા-નવા મકાનો સમયાંતરે બનતા ગયા. એશિયાની પ્રથમ મનોચિકિત્સા ઓપીડી (આઉટપેશન્ટ વિભાગ) ખોલવાનું શ્રેય પણ આ જ સંસ્થાને જાય છે.
ભારતને આઝાદી મળી ત્યાં સુધીમાં તો કોલેજ પ્રતિષ્ઠિત સંસ્થા બની ગઈ હતી. 1948માં કોલેજનું નામ બદલીને તેના સ્થાપકના નામ પરથી ‘આર.જી. કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ’ રાખવામાં આવ્યું. ડૉ. કર ૧૯૧૮માં અવસાન પામ્યા હતા. મૃત્યુ સુધી તેઓ કૉલેજના સચિવ તરીકે રહ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારે 1958માં સંસ્થાનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો હતો. હાલમાં આ કૉલેજ પોસ્ટ-ડોક્ટરેટ, પીજી ડિપ્લોમા, ફેલોશિપ અને અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઓફર કરે છે.
આટલા ભયાવહ અપરાધ અને એને કારણે આટલી હદના વિવાદનો ભોગ બની હોય એવું આ સંસ્થા સાથે એના 138 વર્ષ જૂના ઈતિહાસમાં પહેલી વાર બન્યું છે. આપણે આશા કરીએ કે એ છેલ્લી વારનું પણ હોય.