કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં અડધી રાતે થઇ બબાલ, રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલમાં મચાવ્યો ઉત્પાત
Kolkata Doctor Rape Murder Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ગુરુવારે રાત્રે 11:55 વાગ્યે દેશમાં ઘણી જગ્યાએ 'રિક્લેમ ધ નાઈટ' એટલે કે રાત પર નિયંત્રણ મેળવવા બાબતે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ પ્રદર્શનને આઝાદીની મધ્યરાત્રિમાં મહિલાઓની સ્વતંત્રતા માટેના પ્રદર્શનનું નામ આપવામાં આવ્યું હતું. કોલકાતામાં આયોજિત વિરોધ થોડી જ વારમાં હિંસક બની ગયો.
હોસ્પિટલની અંદર તોડફોડ
અડધી રાતે ત્યાં સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ગુસ્સે ભરાયેલા ટોળાએ બેરિકેડ તોડીને હોસ્પિટલના ઈમરજન્સી વોડમાં ઘૂસી ગયા હતા. ઈમરજન્સી વોર્ડની અંદર ભાગ્યે જ કંઈ બચ્યું છે. બારીઓ, બેડથી લઈને તમામ તબીબી સાધનોની ભાંગતોડ કરવામાં આવી હતી. હોસ્પિટલની અંદર બનેલી પોલીસ બેરેકને પણ ટોળાએ તોડી પાડી હતી. હોસ્પિટલની બહાર ન્યાયની માંગણી સાથે પહેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પછી થોડી જ વારમાં હજારો લોકો એકઠા થઈ ગયા હતા.
આ પણ વાંચો: 75000 મેડિકલ સીટ, વન નેશન વન ઈલેક્શન, ગ્રીન જોબ્સ... PM મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા
પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા
આ ટોળાએ અચાનક જ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી તે ઇમરજન્સી બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. આ બિલ્ડીંગના દરેક ખૂણામાં ઘણા સબૂત છુપાયેલા હતા. પરંતુ રોષે ભરાયેલા ટોળાએ મોડી રાત્રે ઈમારતને જ તોડી પાડી હતી. રોષે ભરાયેલા ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
આ મામલે કોલકાતા પોલીસનું કહેવું છે કે, 40 લોકોના ટોળાએ આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ કરી હતી. તેમજ આ જ લોકોએ હોસ્પિટલમાં હિંસા કરી હતી. આ દરમિયાન પોલીસના વાહનો અને કેટલાક ટુ-વ્હીલર્સને પણ નુકસાન થયું હતું. ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
VIDEO | Kolkata doctor rape-murder case: Enraged protesters entered the emergency ward of RG Kar Hospital last night and vandalised the property. Morning visuals from the hospital.
— Press Trust of India (@PTI_News) August 15, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zQUxwReogA
કોલકાતા પોલીસ કમિશનરનું નિવેદન
કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે કહ્યું, 'હોસ્પિટલમાં તૈનાત પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હતી જેના કારણે રોષે ભરાયેલા ટોળાને નિયંત્રિત કરી શકાઈ ન હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. મહિલા તબીબના બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસે પુરી તાકાતથી કામ કર્યું હતું, પરંતુ સતત અફવાઓ ફેલાવાથી પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.'
વિનીત ગોયલે કહ્યું કે, 'અહીં જે ઘટના બની તે એક ખોટા મીડિયા કેમ્પેઈનને કારણે થયું છે, કોલકાતા પોલીસ વિરુદ્ધ ચાલી રહેલા દૂષિત મીડિયા અભિયાનને કારણે થયું છે. કોલકાતા પોલીસે શું નથી કર્યું! તેણે આ બાબતે બધું જ કર્યું છે. અમે પરિવારને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે તેમાં છતાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું લોકોના આ વિશ્વાસથી ખૂબ નારાજ છું. અમે ક્યારેય નથી કહ્યું કે એક જ વ્યક્તિ (આરોપી) છે. અમે કહ્યું છે કે અમે વૈજ્ઞાનિક પુરાવાની રાહ જોઈ રહ્યા છીએ અને તેમાં સમય લાગે છે. માત્ર અફવાઓના આધારે, હું એક પીજીના વિદ્યાર્થીની ધરપકડ કરી શકતો નથી, તે મારા અંતરાત્મા વિરુદ્ધ છે, મીડિયાનું ઘણું દબાણ છે, સ્પષ્ટપણે અમે જે કર્યું તે સાચું છે. હવે સીબીઆઈ તેની તપાસ કરી રહી છે. હાડકાં તૂટી ગયા હતા, આ કરવામાં આવ્યું, તે કરવામાં આવ્યું એવા ખોટા પ્રચાર કરવામાં આવ્યા છે જેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.'
કોલકાતા પોલીસ પર સવાલ ઉઠ્યા
કોલકાતા પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે કે આટલો મોટો હિંસક વિરોધ થવાનો હતો પરંતુ કોલકાતા પોલીસને તેના વિશે કોઈ જ જાણકારી કેમ ન મળી?. તેમજ આરજી કર મેડિકલ કોલેજની બહાર હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટી રહ્યા હતા, તો સમયસર કાર્યવાહી કેમ ન કરાઈ? આર.જી. હોસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે પોલીસ તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.
આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે કોલકાતા પોલીસે તપાસ ન કરી પરંતુ કવરઅપ કર્યું છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર કહી રહ્યા છે કે આ રેપ નહિ પરંતુ ગેંગરેપ છે. પહેલા ડોક્ટરના પરિવારને કહેવામાં આવ્યું કે દીકરીએ આત્મહત્યા કરી લીધી છે, પછી તેઓએ હોસ્પિટલમાં ફોન કરીને ત્રણ કલાક સુધી બેસાડી રાખ્યા. જે પ્રશાસનની અસંવેદનશીલતા દર્શાવે છે.
ડોક્ટરોના આંદોલન બાદ સોમવારે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે રાજીનામું આપી દીધું અને થોડા જ કલાકોમાં મમતા સરકારે પ્રિન્સિપાલ સંદીપ ઘોષની નેશનલ મેડિકલ કોલેજમાં બદલી કરી દીધી. આ પછી પૂછવામાં આવ્યું કે શું પ્રિન્સિપાલ પ્રત્યે દયા બતાવવાની ઉતાવળ પાછળ કોઈ કારણ હતું. કોલકાતા પોલીસ પર કોઈ ભરોસો નથી, તેથી જ ગઈકાલે હાઈકોર્ટે આ કેસ સીબીઆઈને સોંપ્યો અને કહ્યું, 'પોલીસ તપાસમાં પુરાવાનો નાશ થાય તેવી પૂરી સંભાવના છે.'