‘મહિલા ડૉક્ટર પર ગેંગરેપ થયો નથી, માત્ર એક જ ગુનેગાર’ કોલકાતા કાંડમાં CBIનો મોટો ખુલાસો
Kolkata Doctor Rape and Murder CBI Case : પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આર.જી.કર મેડિકલ કૉલેજમાં મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કરવાના કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સીબીઆઈની તપાસ મુજબ મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ થયું નથી અને આ કાંડમાં માત્ર એક જ આરોપી સંજય રૉય સામેલ છે. દરમિયાન સીબીઆઈને 13મી ઓગસ્ટના રોજ આ કેસની જવાદારી સોંપાઈ હતી.
CBIએ સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી
સૂત્રોના જણાવ્યા મુજબ ફોરેન્સિક રિપોર્ટમાં પણ સામે આવ્યું છે કે, સંજય રૉયે જ ડૉક્ટર પર દુષ્કર્મ આચર્યું હતું. તે કોલકાતા પોલીસ સાથે સંકળાયેલો હતો. ડીએનએ રિપોર્ટમાં પણ તે સામેલ હોવાની પુષ્ટિ થઈ છે. નવમી ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હૉલમાં ડૉક્ટરનો અર્ધનગ્ન મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ સંજયની 10મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી છે, જેમાં જે બિલ્ડિંગમાં ડૉક્ટરની હત્યા કરવામાં આવી, ત્યાં આરોપી જતો પણ જોવા મળ્યો હતો. આરોપીની હોસ્પિટલના તમામ વિભાગોમાં પહોંચ હતી. ઘટના સ્થળ પરથી તેના બ્લૂટૂથ હેડસેટ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ પીડિતા પર ગેંગરેપ કરાયું હોવાનો આક્ષેપ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ આ કેસમાં અન્ય લોકો સામેલ હોવા અંગેની તપાસ પૂરી કરી નથી. સીબીઆઈ ફોરેન્સિક રિપોર્ટના અંતિમ નિર્ણય લેવા નિષ્ણાંતોને રિપોર્ટ મોકલે તેવી સંભાવના છે. આ પહેલા એક ડૉક્ટરે દાવો કર્યો હતો કે, પીડિતા સાથે સામુહિક દુષ્કર્મ આચરાયું હશે. ડૉ. સુવર્ણ ગોસ્વામીએ કહ્યું હતું કે, ટ્રેની ડૉક્ટરની ઈજાની સ્થિતિ કોઈ એક વ્યક્તિનું કામ ન હોઈ શકે. પીડિતાના માતા-પિતાએ પણ પુત્રીના શરીર પર ઘણી માત્રામાં વીર્ય હોવાનો કોલકાતા હાઈકોર્ટમાં આક્ષેપ કર્યો હતો, જે સામુહિક દુષ્કર્મનો સંકેત છે.