આખરે મમતા સરકાર હડતાળ કરનારા ડોક્ટરો સામે ઝૂકી, કોલકાતા કમિશનરને હટાવી નવી તપાસ સમિતિ રચી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
આખરે મમતા સરકાર હડતાળ કરનારા ડોક્ટરો સામે ઝૂકી, કોલકાતા કમિશનરને હટાવી નવી તપાસ સમિતિ રચી 1 - image


Image Source: X

Kolkata doctors protest: મમતા સરકારે હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ તેમની માગણીઓ સ્વીકારી લીધી છે અને મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર અને હેલ્થ સર્વિસના ડાયરેક્ટરને હટાવી દીધા છે. મમતાએ ડોક્ટરોને ખાતરી આપતા કહ્યું કે સીપીને મંગળવારે સાંજે 4:00 વાગ્યા સુધીમાં હટાવી દેવામાં આવશે અને વિનીત ગોયલની જગ્યાએ નવા સીપી ચાર્જ સંભાળશે. આ સાથે જ મંગળવારે સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ ઘણા મોટા ફેરફારો થશે. ડોકટરોએ મમતા સરકાર પાસે પાંચ માગણીઓ કરી હતી જેમાંથી સરકારે ત્રણ માગણી સરકારે સ્વીકારી લીધી છે.

બીજી તરફ સરકારના નિર્ણય બાદ ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી છે કે, અમે હડતાળ ચાલું રાખીશું, કારણે અમારી તમામ માગણીઓ સ્વીકારવામાં નથી આવી. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (ઉત્તર)ને પણ હટાવી દેવામાં આવશે જેમની સામે પીડિત પરિવારે લાંચનો આરોપ લગાવ્યો હતો. જુનિયર ડોકટરોની માગને ધ્યાનમાં રાખી કોલકાતા પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે બેઠકમાં કહ્યું કે હું રાજીનામું આપવા તૈયાર છું. વિનીત સાંજે 4:00 વાગ્યે નવા સીપીને જવાબદારી સોંપી દેશે. 

ડોક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થશે

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, બેઠક સકારાત્મક રહી અને સરકારે ડોકટરો દ્વારા મૂકવામાં આવેલી પાંચ માગણીઓમાંથી ત્રણ માગણીઓ સ્વીકારી લીધી છે અને જુનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે.મેં આંદોલનકારી ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે કારણ કે તેમની પાંચમાંથી ત્રણ માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વિરોધ કરી રહેલા ડોકટરો સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. 

બીજી તરફ મમતા સરકારે આરોગ્ય ક્ષેત્રના માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત તમામ બાબતોની સુનાવણી માટે મુખ્ય સચિવના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે અને કહ્યું કે અમે ડેપ્યુટી કમિશનર (ઉત્તર) ને પણ હટાવવાનો નિર્ણય લીધો છે.

સીએમ સાથે મળેલી આ બેઠક રાત્રે 9:00 વાગ્યા બાદ સમાપ્ત થઈ હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ ડોક્ટરોને અપીલ કરી કે, હડતાળ ખતમ કરીને વહેલી તકે કામ પર પરત ફરો. આ પહેલા પણ બે વખત નક્કી કરવામાં આવી હતી પરંતુ તે નહોતી થઈ શકી. 

ડોક્ટરોએ જશ્ન મનાવ્યો

કોલકાતા પોલીસ કમિશનરને હટાવવાની સીએમની જાહેરાત બાદ પ્રદર્શનકારી ડોક્ટરો જશ્ન મનાવી રહ્યા છે. 

ડોક્ટરોની હડતાળ ચાલુ રહેશે

ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ આંદોલનની જીત છે. રાજ્ય સરકારે અમારી મોટાભાગની માગણીઓ સ્વીકારી લીધી છે એ વાત સાચી છે પરંતુ આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાયો હતો. પરંતુ જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન ચાલું જ રહેશે. સુપ્રીમ કોર્ટની સુનાવણી સુધી અમે વિરોધ કરતા રહીશું. સુનાવણી બાદ અમે આ અંગે નિર્ણય લઈશું.

જુનિયર ડોક્ટરોની 5 માગ

1. ટ્રેની ડોક્ટર સાથે રેપ અને મર્ડર બાદ પુરાવા 'નષ્ટ' કરવા માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવામાં આવે અને તેમને સજા આપવામાં આવે.

2. મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

3. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમના રાજીનામાની માગ.

4. આરોગ્ય કર્મચારીઓ માટે શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે. 

5. સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ધમકીની સંસ્કૃતિને ખતમ કરવામાં આવે. 

તમને જણાવી દઈએ કે, 8-9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક ટ્રેની મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના બાદ દેશભરમાં દેખાવો થયા હતા. ત્યારથી બંગાળમાં ડોક્ટરો પ્રદર્શન કરી રહ્યા છે.



Google NewsGoogle News