કોલકાતા કેસ: ‘CM મમતા વિરુદ્ધ કાર્યવાહી કરાશે’ પશ્ચિમ બંગાળના રાજ્યપાલની મોટી જાહેરાત
Kolkata Rape-Murder Case : કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા બાદ મમતા સરકાર ચારે બાજુથી ઘેરાયેલી છે. આ દરમિયાન બંગાળના રાજ્યપાલે મમતા બેનર્જી વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. ગવર્નર સીવી આનંદ બોઝે ગુરુવારે કહ્યું હતું કે, લોકોમાં સીએમ વિરુદ્ધ આક્રોશ બાદ હવે તેઓ તેમની સાથે કોઈ જાહેર મંચ પર હિસ્સો નહીં લે.
મમતાનો સામાજિક બહિષ્કાર
સીવી આનંદ બોઝે એમ પણ કહ્યું કે, તેઓ સીએમ મમતાનો સામાજિક બહિષ્કાર કરશે. મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તેઓ હવે મુખ્યમંત્રી સાથે કોઈ સાર્વજનિક પ્લેટફોર્મ શેર કરશે નહીં. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ સીએમ સામે કાર્યવાહી કરવામાં આવશે. બંગાળના રાજ્યપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે. બંગાળની મમતા સરકાર તેમની ફરજોમાં નિષ્ફળ રહી છે. જ્યાં સુધી પીડિતાના માતા-પિતા અને બંગાળના લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મમતાનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.
હું રાજીનામું આપવા માટે પણ તૈયાર
આ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, હું એવા લોકોની માફી માંગુ છું જેમણે વિચાર્યું હતું કે આંદોલનનો ઉકેલ આજે ડૉક્ટરો અને સરકાર વચ્ચે વાતચીત દ્વારા આવી જશે. જો લોકો ઈચ્છે છે કે હું રાજીનામું આપું તો તેના માટે પણ તૈયાર છું. મમતા બેનર્જીએ કહ્યું કે, આજે મેં લગભગ બે કલાક સુધી વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોકટરોની રાહ જોઈ પરંતુ તેઓ હજુ પણ વાતચીત માટે તૈયાર નથી.