Get The App

કોલકાતા રેપ કેસ : હવે સુપ્રીમ મેદાનમાં, કાલે સુનાવણી

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
કોલકાતા રેપ કેસ : હવે સુપ્રીમ મેદાનમાં, કાલે સુનાવણી 1 - image


- રાજ્યોને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રત્યેક બે કલાકે રિપોર્ટ મોકલવા ગૃહ મંત્રાલયનો આદેશ

- માતા-પિતાને ત્રણ કલાક રાહ કેમ જોવડાવી, ક્રાઈમ સીનવાળા રૂમની નજીક રિનોવેશનનો આદેશ કોણે આપ્યો ઃ સીબીઆઈએ ડૉ. સંદીપનો ઉધડો લીધો

- પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની સતત ત્રીજા દિવસે પૂછપરછ ઃ વોટ્સએપ ચેટ, કોલ ડિટેલ મંગાવી

- દિલ્હીની સીએફએસએલની ટીમે મુખ્ય આરોપી સંજય રૉયનું સાયકો-એનાલિસીસ શરૂ કર્યું

નવી દિલ્હી: કોલકાતામાં મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે સમગ્ર દેશમાં હજુ પણ તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો સહિત દેશભરમાં ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયે હવે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડના અધ્યક્ષપદે બેન્ચ મંગળવારે આ કેસની સુનાવણી કરશે. બીજીબાજુ દેશભરમાં ડૉક્ટરોના વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયે બધા જ રાજ્યોને તેમના ત્યાં કાયદો-વ્યવસ્થાની માહિતી પ્રત્યેક બે કલાકે ગૃહમંત્રાલયને મોકલવા નિર્દેશ આપ્યા છે.

કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ ઑગસ્ટના રોજ મહિલા જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં અંતે સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડ, ન્યાયાધીશો જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ ૨૦ ઑગસ્ટને મંગળવારે સવારે સૌથી પહેલા આ કેસની સુનાવણી કરશે. અરજદાર આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, સિકંદરાબાદનાં બીડીએસ ડૉ. મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે ૧૪ ઑગસ્ટે અસામાજિક તત્વો દ્વારા આરજી કાર મેડિકલ કોલેજ પર કરવામાં આવેલા હુમલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ સાથે સુપ્રીમ કોર્ટને આ કેસમાં સુઓમોટો નોંધ લેવા વિનંતી કરાઈ હતી.

બીજીબાજુ ડૉક્ટરોના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે દરેક રાજ્યોને તેમના ત્યાં કાયદો અને વ્યવસ્થાની માહિતી દર બે કલાકે ગૃહ મંત્રાલયને આપવા નિર્દેશ આપ્યા છે. રાજ્ય પોલીસ દળને મોકલાયેલા સંદેશામાં કહેવાયું છે કે વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા બધા જ રાજ્યોની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવી જોઈએ. બધા જ રાજ્યોને ઈમેલ, ફેક્સ અથવા વ્હોટ્સએપના માધ્યમથી કેન્દ્રને પ્રત્યેક બે કલાકે રિપોર્ટ મોકલવા જણાવાયું છે.

દરમિયાન સીબીઆઈ આ કેસમાં તેની તપાસના સંબંધમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની કોલ વિગતો અને ચેટની માહિતી એકત્ર કરી રહી છે. વધુમાં ડૉ. સંદીપ ઘોષની સતત ત્રીજા દિવસે સીબીઆઈએ પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ડૉ. ઘોષની શુક્રવારે લગભગ ૧૧ કલાક અને શનિવારે ૧૩ કલાક સુધી પૂછપરછ કરી હતી. ડૉ. ઘોષ પૂછપરછ માટે રવિવારે સવારે ૧૧.૦૦ ફરી સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા અને કલાકો સુધી તેમની પૂછપરછ કરાઈ હતી.

સીબીઆઈ અધિકારીએ કહ્યું કે, મહિલા ડૉક્ટરની મોતના સમાચાર મળ્યા પછી ઘોષની ભૂમિકા સ્પષ્ટ કરવા, માતા-પિતાને લગભગ ત્રણ કલાક સુધી રાહ કેમ જોવડાવી જેવા સવાલોના જવાબ આપવા જણાવાયું છે. હોસ્પિટલમાં ક્રાઈમ સીનવાળા રૂમના રિનોવેશનનો આદેશ કોણે આપ્યો હતો. આ ગુના પાછળ કોઈ કાવતરું છે કે કેમ અને તેની અગાઉથી યોજના બનાવાઈ હતી કે કેમ તેની સંભાવનાઓ સીબીઆઈ તપાસી રહી છે.   

બીજીબાજુ દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની એક ટીમે રવિવારે કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના મુખ્ય આરોપી સંજય રોયના સાયકો-એનાલિસીસ ટેસ્ટ શરૂ કરી છે. 

- સીએમ મમતા પર પહેલાં વિશ્વાસ હતો, હવે નહીં

- સ્મશાનમાં ત્રણ મૃતદેહમાં મારી પુત્રીને પહેલાં અગ્નિદાહ આપી દીધો ઃ પીડિતાના પિતા

કોલકાતા: કોલકાતા આરજી કર મેડિક કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા કેસમાં પીડિતાના પિતાએ કહ્યું કે, આ ઘટનામાં વિભાગ અથવા કોલેજમાંથી કોઈએ પણ તેમને સહયોગ કર્યો નહીં. અમારા માટે એ સૌથી મોટી મુશ્કેલી હતી. પ્રિન્સિપાલને સાઈન કરવાની જરૂર પડી તો મને ઓફિસ બોલાવ્યો. આ સિવાય પીડિતાના પિતાએ દાવો કર્યો હતો કે સ્મશાન ઘાટ પર ત્રણ મૃતદેહ હતા, પરંતુ અમારી પુત્રીના દેહને સૌથી પહેલાં અગ્નિદાહ આપી દેવાયો હતો. તે સમયે અમે લોકો ખૂબ જ દુઃખી હતા. અમને ખ્યાલ જ ના આવ્યો કે શું થઈ રહ્યું છે? મમતા બેનરજી અંગે પિતાએ કહ્યું કે, તેઓ ન્યાય અપાવવાની વાત કરે છે, પરંતુ ન્યાય માગનારા સામાન્ય લોકોને જેલમાં નાંખવામાં આવી રહ્યા છે. હવે મમતા બેનરજી પર વિશ્વાસ નથી રહ્યો. 

બીજીબાજુ પીડિતાની માતાએ કહ્યું કે, આ કેસમાં અમને આશ્વાસન મળતું રહ્યું, જે અમને બરાબર લાગ્યું નહીં. તેથી અમે સીબીઆઈ તપાસની માગ કરી હતી. અમને કોઈ પ્રકારનું ટેન્શન થાય તેવી કોઈ વાત પુત્રી કહેતી નહોતી. માતા-પિતાએ વળતર લેવાનો પણ ઈન્કાર કરી દીધો છે. 

- નશાની હાલતમાં આવેલા દર્દી  સાથે  બે મહિલા પણ સામેલ

- સાયન હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર દર્દી અને સ્વજનોનો હુમલો

- કોલકત્તાની ઘટના તાજી  જ છે ત્યાં હુમલાથી રોષઃ પોલીસે ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી

મુંબઇ: કોલકાતામાં એક રેસિડન્ટ ડૉકટર પર સામુહિક બળાત્કાર ગુજારી તેની ક્રુર રીતે થયેલી હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી છે ત્યાં મુંબઇની સાયન હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા રેસિડન્ટ ડોકટર પર એક  દર્દી અને તેના પરિવારજનોએ હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ દર્દી અને તેના પરિવારજનો ભાગી છૂટયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ત્રણ જણ સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના બાબતે મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડન્ટ્સ ડૉકટર્સ (માર્ડ)ના જનરલ સેક્રેટરી અક્ષય મોરેએ આ બાબતે વધુ વિગત  આપતા જણાવ્યું હતું કે આ ઘટના આજે વહેલી સવારે ૩.૩૦ કલાકે બની હતી. દર્દી નશાની હાલતમાં ઇજાગ્રસ્ત અવસ્થામાં તેના ૭ થી ૮ સંબંધીઓ સાથે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેને મોઢા પર માર વાગ્યો હતો અને ઇજા થઇ હોવાથી તેને સવારે ૩.૩૦ વાગ્યે ઇએનટી ડૉકટર પાસે રીફર ક રવામાં આવ્યો હતો.

આ સમયે ઇએનટીની રેસિડેન્ટ મહિલા ડૉકટર દર્દીનો કાન પરનો ઘા સાફ કરી રહી હતી ત્યારે દર્દીએ જોરદાર રાડ પાડી હતી. આ ઘટના બાદ વિવાદ થયો હતો અને દર્દી સાથે આવેલ બે મહિલા અને એક પુરુષે મહિલા ડૉકટર પર હુમલો કર્યો હતો.


Google NewsGoogle News