Get The App

ડોક્ટરોને મનાવવા મમતાનો અંતિમ પ્રયાસ.....શરતો સાથે વાતચીત માટે બોલાવ્યા ડોક્ટરોને

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ડોક્ટરોને મનાવવા મમતાનો અંતિમ પ્રયાસ.....શરતો સાથે વાતચીત માટે બોલાવ્યા ડોક્ટરોને 1 - image


Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોને આજે સાંજે 5:00 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. સીએમ અને વિદ્યાર્થીઓ વચ્ચે આ વાતચીત મમતા બેનર્જીના આવાસ પર થશે. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે જુનિયર ડોક્ટરોને પત્ર લખીને સીએમ આવાસ પર વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું છે. 

મનોજ પંતે જુનિયર ડોકટરોને સંબોધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, માનનીય સુપ્રીમ કોર્ટના 9 સપ્ટેમ્બર, 2024ના આદેશને ધ્યાનમાં રાખીને કાયદાનું પાલન કરતા નાગરિકો તરીકે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવું એ આપણી ફરજ છે. આ પાંચમી અને છેલ્લી વખત છે જ્યારે અમે માનનીય મુખ્યમંત્રી અને તમારા પ્રતિનિધિઓ વચ્ચે બેઠક માટે તમારો સંપર્ક કરી રહ્યા છીએ. અગાઉની આપણી ચર્ચા બાદ અમે ફરી એકવાર તમને મુખ્યમંત્રી સાથે તેમના કાલીઘાટના નિવાસસ્થાને ખુલ્લા મનથી વાતચીત માટે આમંત્રણ આપી રહ્યા છીએ.

સાર્થક વાતચીતની આશા

પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમને વિશ્વાસ છે કે પરસ્પર સંમતિ મુજબ અને એક દિવસ પહેલા મીડિયાને આપેલા તમારા નિવેદન પ્રમાણે મીટિંગનું કોઈ લાઈવ સ્ટ્રીમિંગ અથવા વિડિયોગ્રાફી નહીં થશે. કારણ કે આ મામલો દેશની સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. તેના બદલામાં બેઠકની મિનિટને રેકોર્ડ કરવામાં આવશે અને બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે પત્રના છેલ્લા ભાગમાં કહ્યું કે, આ બેઠક આજે એટલે કે 16 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5:00 વાગ્યે કાલીઘાટમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને નક્કી કરવામાં આવી છે. અગાઉની ચર્ચા માટે આવેલા પ્રતિનિધિમંડળને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આજે સાંજે 4:45 વાગ્યે કાર્યક્રમ સ્થળ પર પહોંચી જાય. અમે તમારા હકારાત્મક પ્રતિભાવ અને સાર્થક ચર્ચાની આશા રાખીએ છીએ. 

તમને જણાવી દઈએ કે, કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરના રેપ અને મર્ડર મામલે જુનિયર ડોક્ટર્સમાં આક્રોશ છે. ડોક્ટરો છેલ્લા 33 દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પોતાની પાંચ માગો સાથે પ્રદર્શન કરી રહ્યા છે.

જુનિયર ડોક્ટરોની 5 માગ

1. ટ્રેની ડોક્ટર સાથે રેપ અને મર્ડર બાદ પુરાવા 'નષ્ટ' કરવા માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવામાં આવે અને તેમને સજા આપવામાં આવે.

2. મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

3. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમના રાજીનામાની માગ.

4. આરોગ્ય કર્મચારીઓ માટે શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે. 

5. સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ધમકીની સંસ્કૃતિને ખતમ કરવામાં આવે. 

તમને જણાવી દઈએ કે, 8-9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક ટ્રેની મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના બાદ દેશભરમાં દેખાવો થયા હતા. ત્યારથી બંગાળમાં ડોક્ટરો પ્રદર્શન કરી રહ્યા છે.



Google NewsGoogle News