કોલકાતા દુષ્કર્મ કેસ: IMAએ PM મોદીને લખ્યો પત્ર, કેન્દ્રનો હસ્તક્ષેપ-તબીબોની સુરક્ષા સહિત 5 માંગણીઓ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Doctors Protest



IMA letter to PM Modi: કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઇ છે અને દેશભરના ડોકટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 17 ઓગસ્ટે 24 કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ આ મુદ્દે વડાપ્રધાન મોદીને પત્ર લખી પાંચ માંગ કરી છે. 

પત્રમાં શું લખ્યું ? 

ઇન્ડિયન મેડિકલ એસોસિશને પત્રમાં લખ્યું કે, 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની ફરજ પર હતી ત્યારે ક્રૂરતાપૂર્વક તેના પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર દેશ અને તબીબી જગતને આઘાત લાગ્યો છે. 15 ઓગસ્ટના રોજ ટોળાએ ઘટના સ્થળ સહિત હોસ્પિટલના ઘણા ભાગોમાં તોડફોડ કરી હતી. વ્યવસાયની પ્રકૃતિને કારણે, ડોકટરો ખાસ કરીને મહિલા ડોકટરો હિંસાનો ભોગ બને છે. હોસ્પિટલ અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કામ અધિકારીઓનું છે. 

આરજી કર મેડિકલ કોલેજની ઘટનાએ હોસ્પિટલોમાં હિંસાનો પર્દાફાશ કર્યો છે. મહિલાઓ માટે સુરક્ષિત સ્થાનોના અભાવને કારણે મોટા પાયે ગુનાઓ થઈ રહ્યા છે. સુરક્ષા પ્રોટોકોલનો અભાવ તોડફોડ તરફ દોરી જાય છે. આ ગુના અને બર્બરતાએ સમગ્ર દેશની અંતરાત્માને હચમચાવી દીધી છે. આજે દેશભરના તબીબોએ માત્ર ઈમરજન્સીમાં જ સેવાઓ આપી છે.

પત્રમાં વડાપ્રધાન સમક્ષ પાંચ માંગ કરી

1. મહામારી રોગ એક્ટ 1897માં 2020ના સંશોધનોના ડ્રાફ્ટમાં (હેલ્થકેર પર્સનલ અને ક્લિનિકલ સંસ્થાઓમાં હિંસા અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા પર પ્રતિબંધ એક્ટ-2019) સામેલ કરી કેન્દ્રીય એક્ટ બનાવે. જે 25 રાજ્યોની મજબૂતી પ્રદાન કરશે.

2. બધા હોસ્પિટલોના સિક્યોરિટી પ્રોટોકોલ કોઇ એરપોર્ટથી કમ ન હોવી જોઇએ. યોગ્ય સુરક્ષા અધિકારો સાથે હોસ્પિટલોને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે. હોસ્પિટલોમાં સીસીટીવી, સુરક્ષા કર્મીઓની તૈનાતી અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

3. પીડિતા 36 કલાકની ડ્યૂટી શિફ્ટ કરી રહી હતી, માટે આરામ કરવા માટે સુરક્ષિત સ્થળોની સાથે રેસ્ટ રૂમ્સની અછતના કારણે રેસિડેન્ટ ડોક્ટરોને કામ કરવામાં અને રહેવાની સ્થિતિમાં વ્યાપક ફેરફારની જરૂર છે.

4. નિશ્ચિત સમયસીમાની અંદર કોઇપણ ગુનાની સાવધાનીપૂર્વક યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે.

5. પીડિતાના પરિવારને યોગ્ય અને સન્માનજનક વળતર આપવામાં આવે.

સરકારે આશ્વાસન આપ્યું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વાસ્થ્ય સેવા સંઘોની માંગ પર પ્રેસ રિલીઝ મારફતે આશ્વાસન આપતાં કહ્યું કે, સરકાર સ્વાસ્થ્ય સેવા કર્મીઓ સામે આવતા પડકારોથી ખૂબ સારી રીતે વાકેફ છે અને આ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. 26 રાજ્યોમાં પહેલાંથી જ સ્વાસ્થ્ય સેવા કર્મીઓની સુરક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે, જે આ મામલે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. 

વિરોધ સમાપ્ત નથી થયોઃ  IMA

સરકાર તરફથી સમિતિ રચવા અંગે આઇએમએ એ કહ્યું કે, વિરોધ અત્યારે સમાપ્ત નથી થયો છે. અમે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર નિવેદનનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે અને ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય ઉકેલ શોધવા એક સમિતિ બનાવવાની ઓફર કરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દરેક પાસાઓ પર સાવધાનીપૂર્વક વિચાર કરી અને પોતાના સ્ટેટ બ્રાંચ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આ અંગે જવાબ આપશે.


Google NewsGoogle News