કોલકાતા કાંડમાં CBIનો કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘ઘટના પાછળ મોટું ષડયંત્ર, પોલીસ પર પણ શંકા’

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
CBI



Kolkata Rape-Murder Case : કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઇ કરી રહી છે. સીબીઆઇએ રવિવારે (15 સપ્ટેમ્બર) હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ તેમજ પોલીસ અધિકારી અભિજીત મંડલને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે બંનેને 17 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. આ દરમિયાન સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે આ ઘટનામાં હજુ સુધી પોલીસ એસએચઓને આરોપી બનાવવામાં આવ્યા નથી, પરંતુ એવું લાગે છે કે આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર છે અને એસએચઓ પણ તેમાં સામેલ છે. સીબીઆઇએ પોલીસ દ્વારા પુરાવાઓનો નાશ કરવાની પણ આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસ અને સીબીઆઈ વચ્ચે કોઈ સંઘર્ષ નથી

સીબીઆઈએ કહ્યું હતું કે, 'સીબીઆઇ અને પોલીસ વચ્ચે કોઈ સંઘર્ષ નથી પરંતુ એવું જણાઇ રહ્યું છે કે પોલીસ અધિકારીની પૂછપરછ કરવાથી ઘટના વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. નોંધનીય છે કે, જ્યારે સંદીપ ઘોષ અને પોલીસ અધિકારી અભિજીત મંડલને કોર્ટ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે લોકોએ નારેબાજી કરી તેમના પર જૂતા ફેંક્યા હતા.

આ પણ વાંચોઃ ભાજપ સાંસદ અને ધારાસભ્ય સહિત અનેક કાર્યકર્તાની ધરપકડ, સમર્થકોનો હોબાળો, જાણો શું છે મામલો

માતાએ ફરીથી પોસ્ટ મોર્ટમ માટે વિનંતી કરી

સીબીઆઈએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, પીડિતાની માતાએ એસએચઓને તેની પુત્રીના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવા વિનંતી કરી હતી પરંતુ એસએચઓએ મૃતદેહને બાળવામાં ઉતાવળ કરી હતી. કેસમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. પોલીસ અધિકારીએ આ બાબતે જાણી જોઈને અવગણના કરી છે. કેસ ડાયરીમાં પણ ભૂલો છે અને તે અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવશે. આટલી ગંભીર તપાસમાં આવી ખામીઓ જોયા બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં છે.

આ પણ વાંચોઃ કેજરીવાલ પછી મનીષ સિસોદિયા પણ નહીં, હવે દિલ્હીના મુખ્યમંત્રી બનવાની રેસમાં આ ચહેરા સામેલ

પોલીસ કમિશનરની પૂછપરછ કરવાની તૈયારીમાં સીબીઆઈ

સૂત્રોના જણાવ્યા મુજબ, સીબીઆઇ હવે આ મામલે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને સમન્સ પાઠવી શકે છે. આ કેસની આગામી સુનાવણી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં છે. સીબીઆઈ પાસે કોલ રેકોર્ડ છે જેમાં એસએચઓએ પોલીસ કમિશનર સાથે વાત કરી છે. જેથી શક્યતા છે કે સીબીઆઇ હવે પોલીસ કમિશનરની પુછપરછ કરશે.


Google NewsGoogle News