કોલકાતા કાંડ : આરજી કર મેડિકલ કોલેજમાં હડકંપ, એકસાથે 50 સિનિયર ડૉક્ટર્સના સામૂહિક રાજીનામા
Image Twitter |
Kolkata Rape Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના લગભગ 50 સિનિયર ડોક્ટરોએ મંગળવારે સામૂહિક રાજીનામા આપી દીધા છે. આ તમામ ડોકટરોએ જુનિયર ડોકટરોના આમરણાંત ઉપવાસને સમર્થન અને એકતા દર્શાવતા તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે સવારે મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના વડાઓની બેઠકમાં સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.
એક સિનિયર ડૉક્ટરે આ અંગે વાત કરતાં કહ્યું કે, "મંગળવારે વિભાગોના વડાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી હોસ્પિટલના તમામ 50 સિનિયર ડૉક્ટરોએ તેમના રાજીનામા સુપરત કર્યા છે. આ પીડિતા સાથે કામ કરનારા જુનિયર ડૉક્ટરો સાથે અમારી એકતા વ્યક્ત કરવા માટે છે, જે ન્યાય માટે લડી રહ્યા છે." NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોકટરો પણ પોતાનું રાજીનામું આપી શકે છે.
જુનિયર ડોકટરો છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર
પશ્ચિમ બંગાળના ડૉક્ટરોના સંયુક્ત મંચે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં ન્યાયની માંગ કરી રહેલા જુનિયર ડૉક્ટરો સાથે એકતાનું વચન આપ્યું છે. આ સાથે તેઓએ ભ્રષ્ટ આરોગ્ય વ્યવસ્થાને ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. જુનિયર ડોકટરો તેમની માંગણીઓને લઈને છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ પર છે.
તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થ્રેટ કલ્ચર અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી સમિતિએ મોટી કાર્યવાહી કરી હતી. આ કમિટીએ 10 ડોકટરો સહિત 59 સ્ટાફને સસ્પેન્ડ કર્યા છે. જેમાં ડોકટરો, ઈન્ટર્ન, વિદ્યાર્થીઓ અને હાઉસ સ્ટાફનો સમાવેશ થાય છે. આ ડોકટરો પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં રેગિંગનો કેસ પણ સામેલ છે.