મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં ડખો! નેતાએ બળવો કરતાં ઉમેદવારે નામ પાછું ખેંચ્યું
Maharashtra Election Updates: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો મુકાબલો રોચક બની રહ્યો છે. જેમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહેલા પક્ષોમાં ઉમેદવારી નોંધાવા મામલે ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસના કોલ્હાપુર બેઠક પરથી સત્તાવાર ઉમેદવાર મધુરિમા રાજે માલોજીરાજે ભોસલેએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધુ છે. કોલ્હાપુર બેઠક પર કોંગ્રેસ પહેલાં રાજેશ લાટકરને ઉભા રાખવા માંગતી હતી, પરંતુ બાદમાં તેમની ટિકિટ કાપી મધુરિમા રાજેને તક આપવામાં આવી હતી. પરંતુ તેમણે ચૂંટણી પહેલાં જ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી.
પક્ષનો આંતરિક ઝઘડો જવાબદાર
મધુરિમા રાજે દ્વારા ઉમેદવારી પાછી ખેંચી લેવા પાછળનું કારણ પક્ષમાં ચાલી રહેલો આંતરિક ઝઘડો છે. રાજેશ લાટકરે પણ બળવો પોકાર્યો છે. મધુરિમા રાજેએ નામ પાછું ખેંચી લેતાં હવે અહીં રાજેશ લાટકર અને એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો થશે.
આ પણ વાંચોઃ BJPના પ્રવક્તા યમલ વ્યાસની નાણા પંચના અધ્યક્ષ પદે નિમણૂક, ટૂંકસમયમાં સંભાળશે જવાબદારી
કેમ ઉમેદવારી પરત લીધી?
કોલ્હાપુરના સાંસદ શાહૂ મહારાજની પુત્રવધુ મધુરિમા ભોસલેએ ચૂંટણી લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લેતાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. કારણકે, કોલ્હાપુર ઉત્તર બેઠક પર રાજેશ લાટકરને કોંગ્રેસ તરફથી બેઠક ન મળતાં તેમણે અપક્ષ પરથી ઉમેદવારી નોંધાવી છે. જેથી રાજેશ લાટકરની લોકપ્રિયતાને ધ્યાનમાં લેતાં મધુરિમાએ જીતવાની સંભાવના પર પૂર્ણવિરામ મૂક્યો છે.
માહિમ બેઠક પર પણ ડખો
મુંબઈની માહિમ બેઠક પર પણ એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બેઠક પર સદા સરવળકર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ રાજ ઠાકરેના દિકરા અમિત ઠાકરને સમર્થન આપવા માગતા હોવાથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવા માગે છે. આજે તે રાજ ઠાકરેને આ મુદ્દે મળવા પણ ગયા હતા. પરંતુ બેઠક થઈ શકી ન હતી.