શિવપુરાણ સહિતના શાસ્ત્રોમાં દુષ્કર્મીઓ માટે કેવી છે સજા, મહાભારતમાં પણ તેના ઉલ્લેખો વાંચવા મળે છે...

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Punishment to rapists according to Hindu mythology


Punishment to rapists according to Hindu mythology : કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટરના બળાત્કાર અને હત્યાની સાહી સૂકાય એ પહેલાં તો મહારાષ્ટ્રના બદલાપુરમાં સ્કૂલની નાની-નાની બાળાઓના યૌન શોષણનો કિસ્સો સમાચારોમાં ચમકી ગયો. દેશમાં છાશવારે આવા આઘાતજનક બનાવો બનતા જ રહે છે, જેને કારણે જનતામાં ભયંકર રોષ છે. ભારતીય પુરાણોમાં તમામ પ્રકારના અપરાધ સાથે બળાત્કારને પણ પાપ ગણવામાં આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ કે આ અધમ કૃત્ય માટે પુરાણોમાં કેવી-કેવી સજાઓની જોગવાઈ કરાઈ હોવાનું લખાયું છે.   

શિવપુરાણમાં બળાત્કાર અને વ્યભિચારની સજા

શિવપુરાણમાં વ્યભિચારને ગંભીર પાપ ગણવામાં આવ્યું છે અને તેના માટે કઠોર સજાનું વર્ણન છે. વ્યભિચાર બાબતે શિવ પુરાણમાં એક મહત્વપૂર્ણ શ્લોકનો ઉલ્લેખ આ પ્રમાણે કરાયો છે:

यो हि धर्मं परित्यज्य भजते व्यभिचारिणीम्। 

स नरः पतितो लोके नरके च विना किल्बिषम् ॥

અર્થઃ “જે વ્યક્તિ ધર્મ/સદાચારનો ત્યાગ કરીને વ્યભિચારી સ્ત્રીનો સંગ કરે છે, તે આ જગતમાં અધોગતિ પામે છે અને નરકમાં જાય છે.” એવી સ્ત્રી પણ નરકમાં પડે છે. વ્યભિચાર કરનારને પહેલી સજા મળે છે ‘બદનામી’ની, બીજી સજા ‘સામાજિક અધોગતિ અને બહિષ્કાર’ની મળે છે, ત્રીજી સજા હોય છે ‘મૃત્યુ’ અને ચોથી સજામાં ‘નરકની કઠોર યાતનાઓ’ મળે છે.

ગરુડ પુરાણમાં બળાત્કારની સજા

ગરુડ પુરાણમાં બળાત્કારને ઘોર પાપ માનવામાં આવ્યું છે. એમાં લખાયું છે કે આ પ્રકારના પાપીઓ માટે વિશેષ નરકની રચના કરવામાં આવી છે, જ્યાં તેમને તેમના પાપો માટે અસહ્ય યાતનાઓ આપવામાં આવે છે. આવા પાપ કરનારાઓને માત્ર શારીરિક જ નહીં પણ માનસિક પીડાનો પણ સામનો કરવો પડે છે. દુષ્કર્મના પાપમાંથી કઠોર તપસ્યા કરીને પણ મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ નથી.

આ વિષયમાં ગરુડ પુરાણમાં નીચે મુજબનો શ્લોક લખાયો છેઃ 

ताम्रायसि स्त्रीरूपेण संसक्तो यस्य पापवान्। 

नरके पच्यते घोरे यावच्चन्द्रदिवाकरौ॥

અર્થઃ “બળાત્કારીને તાંબા(ગરમ લોખંડ)થી બનેલી સ્ત્રી-પ્રતિમાને આલિંગન કરાવવું જોઈએ અને એ રીતે તેને મૃત્યુદંડ દેવાવો જોઈએ. આવા પાપીનો આત્મા જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી નરકની યાતનાઓ ભોગવશે.” 

આ રીતે ગરુડ પુરાણમાં બળાત્કારીને એવી સજા આપવાની વાત કરાઈ છે જેની સામે મૃત્યુદંડ પણ ઓછો લાગે. 

મહાભારતમાં વ્યભિચાર માટે છે આવી સજા

મહાભારતમાં પણ વ્યભિચાર માટે આકરી સજા આપવામાં આવી છે. ધાર્મિક અને સામાજિક નિયમોનું પાલન કરવાનું મહત્ત્વ જણાવીને આ મહાકાવ્યના શાંતિ પર્વમાં કહેવામાં આવ્યું છે કે દુષ્ટ વ્યક્તિને સમાજમાં કોઈ સ્થાન ન મળવું જોઈએ. જે વ્યક્તિ વ્યભિચાર કરે છે તેને સામાજિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે. શબ્દશઃ શ્લોક નીચે પ્રમાણે છેઃ

न चावमन्येत कदाचिदर्थान् धर्मार्थान् कामान् न हरेन मूढः।

धर्मेण यस्यैव सपत्नमिच्छेद्व्यभिचारिणं तं निहन्याच्च राज्ञः॥ 

અર્થઃ “વ્યક્તિએ ક્યારેય ધર્મ, પૈસા અને ‘કામ’નું અપમાન ન કરવું જોઈએ. જે મૂર્ખ વ્યક્તિ ધર્મની વિરુદ્ધ કામ કરે છે અને વ્યભિચાર કરે છે તેને રાજાએ સજા કરવી જોઈએ.”

મહાભારતમાં કહેવાયું છે કે વ્યભિચાર સામાજિક અને કૌટુંબિક માળખાને ખૂબ નુકસાન પહોંચાડે છે. વ્યભિચારીઓને સજા કરવી એ રાજાનું કર્તવ્ય છે, જેથી સમાજમાં નૈતિકતા જળવાઈ રહે. આવા ગુના માટે સાંસારિક સજા ઉપરાંત નરકમાં કઠોર ત્રાસ ભોગવવાનો ઉલ્લેખ કરાયો છે.

નારદ પુરાણ અનુસાર દુષ્કર્મની સજા

નારદ પુરાણમાં લખાયું છે કે દુષ્કર્મ કરનારને યમરાજના દરબારમાં રજૂ કરવામાં આવે છે, જ્યાં તેણે તેના પાપોનો હિસાબ આપવાનો હોય છે. આ ગુના માટે તેને ભયંકર નરકમાં મોકલવામાં આવે છે, જ્યાં તેના આત્માને લાંબા સમય સુધી અસહ્ય પીડા અને ત્રાસ આપવામાં આવે છે.

નારદ પુરાણમાં એવો ઉલ્લેખ પણ છે કે બળાત્કારનું પાપ એટલું મોટું છે કે એ પુનર્જન્મ સુધી અપરાધીનો પીછો છોડતું નથી. કુકર્મના પાપને કારણે પાપી આત્માનો પુનર્જન્મ નિમ્ન વર્ગ અને જાતિમાં થાય છે, અને તેનું જીવન દુ:ખ અને વેદનાથી ભરેલું રહે છે. બળાત્કારના પાપના બોજને કારણે નવા જન્મમાં પણ તેણે સમાજમાં અપમાન અને તિરસ્કારનો ભોગ બનવું પડે છે. આવો જઘન્ય અપરાધ કરનાર વ્યક્તિ માટે ભગવાનના આશીર્વાદ મેળવવું અત્યંત મુશ્કેલ બની જાય છે. એવો જીવ સાચા હૃદયથી પસ્તાવો કરે અને સખત તપસ્યા કરે તો કદાચ તેને પોતાના પાપમાંથી મુક્તિ મળે. 

આ ઉપરાંત પણ અન્ય પુરાણો અને શાસ્ત્રોમાં બળાત્કાર અને વ્યભિચાર માટે ભયાનક સજાઓ હોવાનું લખાયું છે. જેમ કે…

ગરમ તેલની કઢાઈમાં ઉકળવું

વ્યભિચારી વ્યક્તિને તેના મૃત્યુ પછી નરકમાં લઈ જવામાં આવે છે અને તેને ગરમ તેલની કઢાઈમાં ફેંકી દેવામાં આવે છે. તે આ તેલમાં સતત બળે છે, જેના કારણે તેના આત્માને ભારે પીડા થાય છે.

ગરમ લોખંડના પલંગ પર શયન

વ્યભિચાર કરનારને નરકમાં ગરમ લોખંડના પલંગ પર સૂવડાવવામાં આવે છે. આ પલંગ એટલો ગરમ હોય છે કે પાપી આત્મા અસહ્ય બળતરા અને દર્દ અનુભવે છે.

દંડકારણ્યમાંથી પસાર થવું 

પાપી આત્માએ દંડકારણ્ય એટલે કે કાંટાવાળા જંગલમાંથી ખુલ્લા પગે પસાર થવું પડે છે, જ્યાં કાંટા તેના પગના તળિયે અને સમગ્ર શરીરમાં ભોંકાઈને એને તીવ્ર વેદના આપે છે.

કીડાઓ કોતરી ખાય

વ્યભિચારી વ્યક્તિના આત્માને નરકમાં કીડા, સાપ અને અન્ય ઝેરી જીવો વચ્ચે ફેંકી દેવામાં આવે છે. આવા જીવો પાપી આત્માને સતત ડંખતા રહે છે, એના શરીરને કોતરી-કોતરીને ફોલી ખાય છે, જે અતિશય પીડાદાયક બની જાય છે. 

ગરમ ધાતુનું સેવન

દુષ્કર્મ અને વ્યભિચાર કરનારના આત્માને નરકમાં ગરમ પીગળેલી ધાતુ પીવડાવવામાં આવે છે, જેનાથી તેના આત્માને અસહ્ય બળતરા અને પીડા થાય છે.


Google NewsGoogle News